કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તાપી ખાતે ઊર્જા સંરક્ષણ વિષય ઉપર એક દિવસીય કાર્યશાળા યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત તાપી જિલ્લાનુ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર ખાતે તા. ૨૧/૧૨/૨૦૨૩ ના રોજ ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA) ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ઊર્જા સંરક્ષણ વિષય ઉપર એક દિવસીય ખેડૂત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં તાપી જિલ્લાના કુલ ૫૦ ખેડૂત ભાઇ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમનાં અધ્યક્ષ અને કેવિકે, તાપીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડયાએ ઉપસ્થિત મહેમાનો અને ખેડૂત ભાઇ-બહેનોનું શાબ્દિક સ્વાગત કરી ખેતીમાં ઊર્જા સંરક્ષણની મહત્ત્વતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વધુમાં કૃષિલક્ષી કાર્યોમાં ઊર્જા સંરક્ષણ માટેની વિવિધ પધ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે ખેડૂતોને તેમના રોજીંદા જીવનમાં ઊર્જા સંરક્ષણ માટેના ઉપાયોનો ખેતીમાં ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડવાં પર ભાર મૂક્યો હતો.
ડૉ. સંદિપ એચ. સેંગર, સહ પ્રાધ્યાપક અને ઇ/ચા પ્રિન્સીપાલ, કૃષિ ઇજનેરી કોલેજ, ડેડીયાપાડાએ કૃષિમા પાણી સંગ્રહની મહત્વતા, પંપસેટમા ઊર્જા કાર્યક્ષમતા આધારિત સ્ટાર લેબલનુ મહત્વ, ખેતીપંપમા સૌર ઊર્જાનો ઉપયોગ જેવા વિષયો ઉપર ખેડૂતોને પાવર પોઇન્ટનાં માધ્યમ થકી માર્ગદર્શન આપ્યું હતુ. ડૉ. આલોક સિંઘ, મદદનીશ પ્રાધ્યાપક, કૃષિ ઇજનેરી કોલેજ, ડેડીયાપાડા દ્વારા ખેડૂતોને સોલાર રૂફટોપ યોજના, ઇ બાઇકનો ઉપયોગ અને ફાયદાઓ અને ઠંડી છત અને અન્ય ઊર્જા સંરક્ષણની પધ્ધતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. ડૉ. મંજુશ્રી સિંઘ, મદદનીશ પ્રાધ્યાપક, ન. મ. કૃષિ મહાવિધ્યાલય, ન.કૃ.યુ., નવસારીએ ખેડૂતોને ગાંધીનગર ખાતે કાર્યરત ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA) ની પ્રાથમિક માહિતી તથા એજન્સી દ્વારા ખેડૂતલક્ષી કામગીરી અને ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણની જરુરીયાત વિષે સંક્ષિપ્ત માહિતી આપી હતી.
કાર્યક્રમના અંતે ખેડૂતોને ઊર્જા સંરક્ષણ સંબંધિત પ્રશ્નોનું ઉપસ્થિત નિષ્ણાંતો દ્વારા સંતોષકારક નિરાકરણ કરવામા આવ્યુ હતું અને ખેડુતોએ સૌર ઊર્જાનો ખેતીમા વધુમાં વધુ ઉપયોગ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સદર કેન્દ્ર ખાતે ઇલેક્ટ્રીક બાઇકનું નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધી પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા કરવામાં આવ્યુ હતું.