સરકારી કાર્યક્રમોના જનમાનસ ઉપર પડતા આભાસનું મળ્યુ ઉત્તમ ઉદાહરણ
‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ પોતાની સાફલ્યગાથા રજૂ કરતા સખી મંડળના એક બહેનની સફળતાનું કારણ છે સરકારશ્રી અને તાપી જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયેલી પહેલ
–
સખી મંડળની બહેનો બની રહી છે આત્મનિર્ભર: પરિવાર અને સમાજ માટે પ્રેરણારૂપ સ્થાન મેળવી દેશના વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવી રહી નારીશક્તિ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.07 : વ્યાજખોરો પાસે નાણા વ્યાજે લેવાને બદલે સરકારી યોજનાઓ, સહકારી મંડળીઓ, બેંક પાસેથી નાણાં વ્યાજે લઇ શકાય તે અંગે જાગૃતતા વધારવા માટે તાપી જિલ્લા પોલીસ વિભાગ તથા તમામ નેશનલાઇઝ બેન્કના સહયોગથી “વ્યાજખોરીના દૂષણ પર લગાવીએ રોક” થીમ અંતર્ગત ગત વર્ષે લોન મેળાઓ યોજાયા હતા. જેમાં પોલીસ વિભાગ, તમામ બેન્કો, ઉદ્યોગ કચેરી અને જિલ્લાતંત્ર એક સાથે મળી નાગરિકોને મદદરૂપ બનવા એક જ સ્થળે, ખુબ જ ઓછા સમયમાં તથા ઓછામાં ઓછા વ્યાજ ઉપર બેંક મારફત નાગરિકોને લોન અપાવવાનું બીડુ ઉપાડ્યું હતું. જે કાર્યક્રમમાં 363 જેટલા નાગરિકોને નાની મોટી લોન મળી અંદાજિત 6.05 કરોડની લોન જિલ્લા તંત્રના સકારાત્મક પ્રયત્નોથી અપાવી હતી.
સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોના હિત માટે વિવિધ કાર્યક્રમો યોજાય છે, પરંતુ સરકારી કાર્યક્રમોની અસર સામાન્યજન ઉપર કેવી પડે છે તેનું ઉત્તમ ઉદાહરણ આજરોજ તાપી જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ અંતર્ગત ડોલવણ તાલુકાના અંતાપુર ગામે ‘મેરી કહાની મેરી જુબાની’ થીમ હેઠળ પોતાની સાફલ્યગાથા રજૂ કરતા સખી મંડળના એક બહેનની સફળતાની વાતમાંથી જાણવા મળી હતી.
ડોલવણ તાલુકાના અંતાપુરના ‘શ્રી મહાલક્ષ્મી સખી મંડળ’ના સભ્યશ્રી શીલાબેન નિલેશભાઇ ચૌધરીએ પોતાની વાત જણાવતા કહ્યું હતું કે, સરકારશ્રીની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત મિશન મંગલમ શાખાની મદદથી અમે ગામની ૧૧ બહેનો મળીને ‘શ્રી મહાલક્ષ્મી સખીમંડળ’ની સ્થાપના કરી છે. સખી મંડળમાં જોડાવાથી અમને એક ટકાના વ્યાજ દરે ૪ લાખની કેશ ક્રેડિટ લોન મળી છે. જેના થકી અમારી બચતમાં પણ વધારો કરી શક્યા છે. આ ઉપરાંત અમે બહેનો ખેતી અને પશુપાલન સાથે પણ સંકળાયેલા છીએ.
અહી સુધી સામાન્ય લાગતી બાબતમાં શીલાબહેને પોતાના વિચારો રજુ કરતા વધુમાં ઉમેર્યૂ હતું કે, અગાઉ જયારે અમે સખી મંડળમાં જોડાયા ન હતા ત્યારે ખાનગી એજન્સીઓ દ્વારા ઉંચા વ્યાજ દરે ધિરાણ લેવું પડતું હતું. પરંતું જ્યારથી અમે સખી મંડળમાં જોડાયા છે. ત્યારથી અમારે ખાનગી એજન્સી પાસે ધિરાણ લેવા જવાની જરૂર પડતી નથી. અમારી બચતમાં પણ વધારો થયો છે. જેથી અમે બહેનો આત્મનિર્ભર બની શક્યા છે જેના માટે અમે સરકારશ્રી અને જિલ્લા તંત્રની ખુબ ખુબ આભારી છીએ.
સરકારશ્રી અને જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયેલ પહેલ થકી સ્થાનિકોને વ્યાજ ધીરાણ માટે ખાનગી એજન્સીઓની પડખે જવાની જરૂર ન પડે આ ઝુંબેશ થકી અનેક સખીમંડળોએ સરકારશ્રીની યોજનામાં ઓછા વ્યાજ દરે ધીરાણ પ્રાપ્ત કર્યું છે.
*બોક્ષ:*
નોંધનીય છે કે, તાપી જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત મિશન મંગલમ શાખા હેઠળ કુલ 10188 સખી મંડળો નોંધાયેલ છે જેમાં 112068 બહેનો જોડાયા છે. જેમણે રૂપિયા 1.50 લાખ થી લઇ 6.00 લાખ સુધીની લોન બેંક ઓફ બરોડા, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા અને સુરત ડ્રીસ્ટ્રીક્ટ કો.ઓપરેટેવ બેંક જેવી વિવિધ બેંકો પાસેથી લીધી છે.
આ બહેનો ખેતી, પશુ પાલન સાથે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવટ, ઓર્ગેનીક સાબૂ, હેર ઓઇલ જેવા કોસ્મેટીક પ્રોડક્ટ બનાવટ, નાગલીના પાપડ અને મિલેટ્સને લગતી વિવિધ બનાવટ તેમજ અથાણા અને મસાલા જેવા અનેક પ્રકારના કામો સાથે જોડાઇ આત્મનિર્ભર બનવાની સાથે પોતાના પરિવાર અને સમાજ માટે પ્રેરણારૂપ સ્થાન મેળવી દેશના વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવી રહી છે.
સરકારશ્રી અને તાપી જિલ્લા તંત્ર દ્વારા ઝુંબેશરૂપે યોજાયેલા લોન મેળાના કાર્યક્રમના પ્રતાપે ગામની મહિલાઓ જાગૃત થઇ સખી મંડળમા જોડાઇ છે અને આજે સ્વયં પગભર બની સરકાર અને જિલ્લા તંત્રનો આભાર માની રહી છે. સરકાર મહિલાઓને સશક્ત કરવાની દિશામાં સતત આગળ વધી રહી છે ત્યારે તાપી જિલ્લામાં સખી મંડળની બહેનો સફળતાનું પોતે ઉદાહરણ બન્યા છે.
-વૈશાલી પરમાર
૦૦૦૦૦