જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે યાત્રાના સુચારૂ આયોજનને આખરી ઓપ આપવા સમીક્ષા બેઠક યોજાઇ
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા, જિલ્લો તાપી’
–
વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં અધિકારી-પદાધિકારીશ્રીઓની સક્રિય ભાગીદારી નોંધાય તે જરૂરી છે.- જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.29: કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃત્તિ અર્થે તાપી જિલ્લામાં આજે તા.૩૦ નવેમ્બર ૨૦૨૩ના રોજથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ થનાર છે. જે સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ,નોડલ અધિકારી સાથે યાત્રાના સુચારૂ આયોજનને આખરી ઓપ આપવા સમીક્ષા બેઠક યોજાઇ હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે વિવિધ રચનાત્મક સુચનો આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો લોકો સુધી પહોંચે અને જનજાગૃતિ કેળવાય તે માટે તાપી જિલ્લાના ૭ તાલુકાના ૨૯૬ પંચાયતોમાં તા. ૩૦ નવેમ્બર ૨૦૨૩થી તા. ૨૩ જાન્યુઆરી ૨૦૨૪ સુધી દરરોજ વિકાસ યાત્રા યોજાનાર છે. આ તમામ કામગીરીમાં અધિકારી-પદાધિકારીશ્રીઓની સક્રિય ભાગીદારી નોંધાય તે જરૂરી છે. તેમણે ઉપસ્થિત તમામને આ યાત્રા દરમિયાન રીપોર્ટીંગ બાબતે પણ ચીવટ કેળવવા ખાસ માર્ગદર્શન આપ્યું હતું.
આ સાથે ગ્રામ્ય કક્ષાએ યાત્ર દરમિયાન વિવિધ લાભોનું વિતરણ, રૂટ પ્લાન, પ્રચાર પ્રસારના સ્ટોલ, હેલ્થ કેમ્પ, પશુ કેમ્પ, સિકલસેલ, ટીબીના દર્દીઓનું સ્ક્રીનીંગ, ઓન ધ સ્પોટ ક્વિઝ કોમ્પિટિશન, ‘મેરી કહાની મેરી જુબાની’, ‘ધરતી કહે પુકાર કે’, સ્વચ્છ્તા સોંગ જેવા કાર્યક્રમો કરી યાત્રાને સફળ બનાવવા તથા ગામના તમામ નાગરિકો કાર્યક્રમમાં સહભાગી થાય તે મુજબનું આયોજન કરવા સુચનો કર્યા હતા.
બેઠકમાં ઈન્ચાર્જ નિવાસી અધિક કલેકટરશ્રી સાગર મોવલીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એલ.મહાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ-મામલતદારશ્રીઓ,તેમજ યોજનાના સંલગ્ન વિવિધ વિભાગોના અધિકારીશ્રી-કર્મચારીઓ હાજર રહ્યા હતા.
000