સોનગઢ એપીએમસી માર્કેટ ખાતે રવિ કૃષિ મહોત્સવ અને સેવાસેતુ યોજાયો

Contact News Publisher

રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩

અંદાજીત ૭૦૦થી વધુ ખેડૂતોએ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કૃષિ પ્રદર્શનો નિહાળ્યા

આપણાં દેશી પારંપારિક ધાન્યને આંતરરાષ્ટ્રિય ફલક ઉપર લઈ જવુ સરાહનીય કાર્ય : સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૨૪- તાપી જિલ્લાના સોનગઢ એપીએમસી માર્કેટ યાર્ડ,દેવજીપુરા ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્ય્ક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ અને સેવાસેતુ યોજાયો હતો. જેમાં સોનગઢ તાલુકાના અંદાજીત ૭૦૦ થી વધુ ખેડૂત ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર આધુનિક ટેકનોલોજીથી સજ્જ કૃષિ પ્રદર્શનો નિહાળ્યા હતા.
કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજીત રવિ કૃષિ મહોત્સવમાં સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણે આવક બમણી કરવી જોઈએ. આપણાં લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણાં પારંપારિક દેશી ધાન્યોને પ્રોત્સાહન આપી આ વર્ષને મીલેટ યર જાહેર કર્યું છે. એ ખરેખર સરાહનીય કાર્ય છે. આપણાં દેશી અનાજ નાગલી,જુવાર,ચીણો,કાંગ, વરઈ (મોરૈયો),સામો,કોદરો,કોદરી,બંટી,લાલ કડા વિગેરે ખૂબ જ પૌષ્ટિક છે. જેમાંથી ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી રહે છે.આ ધાન્યોમાં કેલ્શીયમ અને આયર્ન પુષ્કળ પ્રમાણમાં હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.આજે રાસાયણિક ખાતરોના વધુ ઉપયોગના કારણે રોગોનું પ્રમાણ વધ્યું છે. જે આપણાં આરોગ્ય માટે જોખમી છે. જેથી આપણે આવા ધાન્યોને વૈશ્વિક ફલક ઉપર લઈ જઈએ તો મૂલ્યવર્ધન થકી ખેડૂતો આર્થિક ઉપાર્જન કરી શકશે. તેમજ ખેડૂતોએ હાથ લાંબો કરવો નહીં પડે.
ઉલ્લેખનિય છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તાપી જિલ્લાના ૯૮૦૦૦ ખેડૂતોએ છેલ્લા ૪ વર્ષમાં ૨૩ કરોડ ૫૨ લાખ રૂપિયા ખેડૂત ભાઈઓ-બહેનોના ખાતામાં ડીબીટી માધ્યમથી આપવામાં આવ્યા છે. કૃષિ વજ્ઞાન કેન્દ્ર, અને આત્મા ના સહયોગથી ખેડૂતોએ નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. રાષ્ટ્રની ઉન્નતિમાં યોગદાન આપવા સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ અનુરોધ કર્યો હતો.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વ્યારા પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર,ના વૈજ્ઞાનિક ડો.વી.પી.પટેલે જણાવ્યું હતું કે તાપીના ખેડૂતો ઉપર ગર્વ છે કે તેમણે રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કર્યો છે. સરકારશ્રીએ પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મુક્યો છે ત્યારે ખેડૂતોએ જીવામૃત,ધનામૃત,બીજામૃતનો ઉપયોગ શરૂ કર્યો છે. મહદઅંશે દક્ષિણ ગુજરાતમાં ચોાખાનું ઉત્પાદન વધુ થાય છે. ત્યારે ખેડૂતો વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરે અને વધુ ઉત્પાદન આપતી અમારી મહાત્મા નામની ડાંગરની નવી જાતનો ઉપયોગ કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
રવિ કૃષિ મહોત્સવ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. મહાનુભાવોના હસ્તે ખેતીવાડી,બાગાયત અને આત્માના ખેડૂતોને યોજનાકીય મંજૂરી પત્રો એનાયત કરાયા હતા. માન.મુખ્યમંત્રીશ્રીના રાજ્યકક્ષાએથી યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ખેડૂતોએુ નિહાળ્યું હતું. કૃષિ વિભાગ દ્વારા મીલેટ પુસ્તિકાનું વિમોચન કરાયું હતું.મતદાર જાગૃતિ,આરોગ્ય,સમાજ સુરક્ષા, આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વાનગી સ્ટોલ, વન વિભાગ,બેન્કોના સ્ટોલ સહિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ વિવિધ કુંપનીઓ દ્વારા બનાવવામાં આવેલ પ્રદર્શન સ્ટોલ ની મુલાકાત લઈ ખેડૂતો પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે પદ્રશ્રી રમીલાબેન ગામીત, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રિતીબેન ગામીત,એપીએમસી ચેરમેન, દામજીભાઈ ગામીત, સોનગઢ મામલતદારશ્રી એન.એમ.ચાંપાનેરીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામક અનિલ પટેલ, પદાધિકારીઓ, વહીવટીતંત્રના અધિકારરીઓ,સરપંચશ્રીઓ,મંડળીઓના પ્રમુખો સહિત ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *