હકારાત્મકતાને અવકાશ આપો, એ યુવા પેઢીનું ઘરેણું છે : ડો. મતાઉદ્દીન ચિશ્તી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : યુવા ચિંતન શિબિર (પહેલા તબકકા) નું આયોજન ચિશ્તીયાનગર કંપાઉન્ડ તેમજ એચએચએમસી એજ્યુકેશનલ કેમ્પસ પાલેજ ખાતે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ પ્રથમ તબક્કામાં રુહાની સફર દરમ્યાન જે મર્યાદિત વિસ્તારની મુલાકાત ડો. મતાઉદ્દીન ચિશ્તી બાવા સાહેબ દ્વારા લેવામાં આવી હતી, એ જ વિસ્તારના યુવાનો અને વડીલોને પુરતું સીમિત રાખવામાં આવ્યું હતું, જેથી આગળ અનેક તબક્કામાં સૌને સુવ્યવસ્થિત રીતે સેવામાં જોડી શકાય. આમંત્રણને માન આપીને ખુબજ મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો પોતાનો કિંમતી સમય કાઢી ને હાજર રહ્યા હતા. તે બદલ મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન સજ્જાદાનશીન હિઝ હોલિનેસ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી બાવાસાહેબના સુપુત્ર- અનુગામી હઝરત ડૉ.મતાઉદ્દીન ચિશ્તી બાવાસાહેબના અધ્યક્ષ સ્થાને આયોજિત સમારંભમાં આભાર માનવામાં આવ્યો હતો, તેમજ કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણ તમામનું સ્વાગત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આજ રીતે આપણા બુઝુર્ગોની ભલી દુઆઓથી આવનાર સમયમાં અનેક કાર્યક્રમો યોજાનાર છે, જેથી તમામ અકીદતમંદોને ગાદીના તમામ કાર્યક્રમોમાં હાજર રહીને આગામી કાર્યક્રમો સફળ બનાવવાનું આહવાન કરવામાં આવ્યુ છે.
યુવા ચિંતન શિબિરમાં પહેલા તબક્કા બાદ, હવે પછી વિવિધ તબક્કામાં વિવિધ સ્થળે પણ સમાજના યુવાનો તમેજ વડીલોને બોલાવીને શિબિરનું આયોજન કરવામાં આવશે. આ રીતે તબક્કાવાર કાર્યક્રમો કરવામાં આવશે.
યુવા ચિંતન શિબિરમાં હાજર રહેલા નવયુવાનોને બોલતાં, લખતાં તેમજ અંતે વિચારતા કરી, હકારાત્મકતા યુવા પેઢીનું ઘરેણું છે, અને દીની અખલાકનો બોધ આપી નમાઝ કાયમ કરવા પણ ઉપદેશ આપવામાં આવ્યો હતો. ડભોઇ યંગ સર્કલ સહિત વિવિધ વિસ્તારોના લોકોએ સેવા કાર્યમાં જોડાયને દરેક ક્ષેત્રે કાર્ય કરવા તત્ત્પરતા બતાવી હતી, જે સૌએ તાળીઓથી વધાવી હતી. યુવાનો અને વડીલોના સમન્વયથી નિસ્વાર્થ ભાવે થતા સેવા કાર્યથી ક્રાંતિ આવી શકે એમ છે તથા સમાજના યુવાનો સહિત સૌ એ સંગઠિત થઇ સેવા કાર્યમાં યુવાનોને સહકાર આપી પ્રતિનિધિત્વ માટે પ્રેરિત કરવા જોઇએ એમ જણાવી સેવા ક્ષેત્રે હેતુમાં હોદ્દો નહી હેત અને નિયત જ સમાજના અભ્યુદય માટે નિમિત્ત બને છે જણાવાયું હતું. નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
ઉત્કર્ષ ટ્રસ્ટના હોદ્દેદરોએ અવિરત ચાલતી સેવા યાત્રાનો પરિચય કરાવી ચાલતા આવેલ પાંય મુદ્દાના કાર્યક્રમ પર આયોજન સંદ્દભે વાત કરી હતી.