તાપી જિલ્લામાં દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્યજીએ જણાવ્યું સુખ, શાંતિ માટે ધર્મનું આચરણ કરતા રહેવું જોઈએ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં ધર્મ પ્રચાર અર્થે આવેલા દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે પ્રવાસના અંતિમ દિવસોમાં વ્યારા નગર, તાલુકા અને વાલોડ તાલુકામાં જાહેરસભાઓ કરી સાથે વિવિધ સ્થળોની મુલાકાત પણ લીધી હતી.
વ્યારા, ચિખલવાવ અને બુહારી ખાતે યોજાયેલ જાહેર સભામાં જગદગુરુ શંકરાચાર્યજીએ જણાવ્યું હતું કે, આપણા અંદર બેસેલા પરમાત્માને જોઈ શકાતું નથી. તો તેના દર્શન માટે કીર્તન જ ઉપાય છે. દરેક મનુષ્ય સુખની પ્રાપ્તિ થાય એવી કામના કરે છે. પરંતુ સુખ આવે કેવી રીતે ? આજ કાલ લોકો મહાત્મા મળે તો, બાળકો, ધન પ્રાપ્તિ, વેપાર સારો ચાલે એવી માંગ કરે છે, જયારે પ્રાણીઓ કઈ માંગતા નથી, તેઓને માંગ્યા વગર મળે છે. આપણને ભગવાને કમાવવા બે હાથ તો આપ્યા છે, તો મહાત્મા પાસે સુખ અને શાંતિની જ માંગણી કરવી જોઈએ, ધર્મ નિયમોનું પાલન કરતા ન હોય તો, સુખ શાંતિ પણ મળતી નથી. આજે નવા નવા પંથ ના કારણે મનુષ્યની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. સનાતનનો અર્થ જ અજય અમર છે. જે કદી નાશ ન પામે તે. પ્રાણી માત્રમાં ભગવાન ના દર્શન કરનારા સનાતની છે. લોકો સનાતનને નાશ કરવાની વાત કરે છે, પણ ઈટ પત્થર તોડી સકો ધર્મને તોડી શકો નહિ. જેમણે હિન્દુ ધર્મનું આચરણ નથી કર્યું, તેઓ જ આક્ષેપ કરે છે. સિદ્ધાંત, ન્યાય, ધર્મ શાસ્ત્ર અને કુળ પરંપરાને સમજવા જોઈએ, એ સમજ્યા વગર ધર્મનું જ્ઞાન પ્રાપ્ત નહીં થાય, કુલ દેવી દેવતા ની પૂજા કરો, નવા નવા ભાગવાનોને માનવાની જરૂર નથી. શ્રી રામ આપણા આદર્શ છે. આજે અયોધ્યામાં ભવ્ય રામનું મંદિર બની રહ્યું છે, નિર્ધન વ્યક્તિ દુઃખી છે, કેમ કે તેની પાસે ધન નથી. પણ ધની વ્યક્તિ કેમ દુઃખી છે.? કેમ કે ધર્મ નું પાલન નથી કરતા, એક છોડી ને બીજા ધર્મમાં જાય છે. પોતાના ધર્મમાં દોષ જોનારે જે ધર્મમાં જાવ છો, તેના ગુણો પણ જાણવા જોઈએ. આપણા ભાઈઓને શું જોઈએ છે?. તે સમજો બીજા પાસે આશાના રાખો, બીજા તો પાંચ વર્ષ આવે છે. અને તમારી પાસે કામ કરાવી જાય છે, કેટલાક એવા પણ છે, જેઓ કામો પણ કરે છે, આપણે હિન્દુ સનાતન ધર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. ધર્મનું પાલન જ ધર્મ ની રક્ષા છે. કહી શાસ્ત્રો અને પુરાણોની વાતો પર વિશ્વાસ રાખવા જણાવ્યું હતું. તેમણે શનિવારે સોનગઢ તાલુકાના અંતરીયાળ ઝરાલી ગામે અંતિમ સભા યોજી આસપાસના સતાનતી ધર્મપ્રેમીઓની મુલાકાત લીધી હતી. વ્યારા ખાતે યોજાયેલી સભામાં વિવિધ સમાજના અગ્રણીઓ સહીત લોકો ઉપસ્થિત જોવા મળ્યા હતા. દરમિયાન સ્વયંસેવકો દ્વારા શંકરાચાર્યજીને આયોજનમાં સામેલ કાર્યકરો દ્વારા પાદુકા અર્પણ કરવામાં આવી હતી. તથા માલીવાડ ખાતે રહેતા પ્રતિમાબેન સોની દ્વારા આદિ શંકરાચાર્યજીનું રંગોળી થી બનાવેલું ચિત્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જેનું જગદગુરુ શંકરાચાર્યજીએ પણ નિદર્શન કર્યું હતું. તાપી જિલ્લા સનાતન ધર્મ વિકાસ સમિતિ તથા વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા સમગ્ર જિલ્લામાં કાર્યકમો કરવામાં આવ્યા હતા.