તાપી જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટની પાસે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રનું કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના હસ્તે ખુલ્લુ જાહેર કરાયું
તાપી જિલ્લાના ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે દિશામા જિલ્લા વહિવટી તંત્રની સરાહનિય કામગીરી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૩ તાપી જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટની બાહાર પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રનું કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહના હસ્તે રીબિન કાપી ખુલ્લુ જાહેર કરી ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે દિશામા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સરાહનિય કામગીરી કરવામાં આવી હતી.
તાપી જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ ખાતે નેચરલ એગ્રીકલ્ચર માર્કેટ માટે ૨૦૧૯ થી આ પ્રાકૃતિક કૃષિ બજાર ખુબ જ યોગ્ય રીતે ચલાવવામાં આવી રહ્યું છે, જેથી તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને મદદ મળી રહે. પરંતું ખેડુતોને એક યોગ્ય વેચાણ માટેની જગ્યા મળી રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર આજે ખુલ્લુ જાહેર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેકટરશ્રી એ ઉપસ્થિત તમામ ખેડુતોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં વધુમાં વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરે અને સારી આવક સાથે તંદુરસ્ત સ્વાસ્થય બને તે દિશામાં આગળ વધવું જોઇએ.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન. શાહે જણાવ્યું હતું કે, આપણા રાજપાલશ્રીએ અને મુખ્યમંત્રીશ્રીએ નેમ લિધી હતી કે આપણા ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે, પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદનનું ધોરણ વધે, સ્વાસ્થયને પણ ફાયદો થાય અને ખેતીની આવક બમણી થાય અને સાથે સાથે પર્યાવરણનું જતન થશે. જેના માટે આપણે સૌએ પ્રાકૃતિક પેદાશોની ખરીદી કરી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા જોઇએ.
વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી દ્વારા જે વસ્તુઓ ઉત્પાદન થાય છે એ વસ્તુઓ યોગ્ય વિતરણ થાય અને ખેડુતોને પોષણક્ષમ ભાવો મળે એ જરુરી છે અને એના માટે આજે તાપી જિલ્લામાં પ્રથમ વાર પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે સ્ટોલને આજે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેથી તાપી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો અહિ આવી પોતાની વસ્તુંઓનું વેચાણ કરી શકે છે.
આ પ્રંસગે ખેડુતોને પ્રોત્સહિત કરવા જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત ઉપસ્થિત અધિકારીઓએ ઉત્પાદિત વસ્તુંઓની ખરીદી કરી હતી.
કુદરતી ખેતી કરવાથી કુદરતી પાક અને માનવ આરોગ્યને ભારે ખર્ચા અને ઝેરી જંતુનાશકોથી બચાવી શકાય છે તો પછી કુદરતી ખેતીને દરેક ખેડૂત સુધી કેમ ન પહોંચાડી શકાય? જેથી ખેડૂતની વ્યાખ્યાને ઇતિહાસમાં નવો આકાર આપી શકાય તે માટે તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાનું કુટુંબ, રાજ્ય અને દેશને નવી ઓળખ અપાવવા પોતાનું યોગદાન આપવું જોઈએ.
આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રી અલ્કેશ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા સી.ડી પંડ્યા, બાગાયત અધિકારીશ્રી તુષાર ગામિત,સંલગ્ન વિભાગના અધિકારી કર્મચારીઓ તથા ખેડુતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
000000