કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા ડોલવણ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા, જિ.તાપી દ્વારા ડોલવણ ખાતે તા.૦૮ માર્ચ,૨૦૨૦ ના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’ ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડોલવણ તાલુકાના વિવિધ ગામની કુલ ૧૮૦ આદિવાસી મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સર્વે મહિલાઓએ સમુહપ્રાર્થના કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ અને દક્ષિણ ગુજરાત વિકાસ સંસ્થા, તાપીના ફિલ્ડ ઓફિસર શ્રીમતી જસુબેન ચૌધરીએ નારી શકિત, સ્ત્રી સંગઠન, સ્ત્રી સન્માન વિશે માહિતી આપી હતી. કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.સી.ડી.પંડ્યાએ મહિલાઓનું કૃષિ ક્ષેત્રે યોગદાન અને મહિલાઓને ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા ઉપર ભાર મૂક્યો હતો.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો.આરતી.એન. સોનીએ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’નું મહત્વ સમજાવતાં જણાવેલ કે મહિલાઓ આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે અને ખેડૂતમહિલાઓ તો ગૃહકાર્યની સાથે ખેતી અને પશુપાલન કાર્ય કરી કુટુંબના આર્થિક ઉપાર્જન કાર્યમાં ભાગીદાર બની છે. આથી સમાજમાં સ્ત્રી સન્માનને પાત્ર છે. વધુમાં, તેમણે આદિવાસી વિસ્તારમાં ખાસ જોવા મળતો વારસાગત રોગ સિકલસેલ એનીમિયા અને તેને અટકાવવાના ઉપાયો ઉપર ટેકનીકલ માહિતી આપી હતી. કેન્દ્રના પાક સંરક્ષણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ.એસ.એમ.ચવાન એ ખેતીપાકોમાં રોગ-જીવાત નિયંત્રણ વિષય પર માર્ગદર્શન પુરું પાડ્યું હતું. ઉપરાંત, સદર કાર્યક્રમમાં કોટલા મહેતા માનવ સેવા સમાજ ટ્રસ્ટ,ડોલવણના પ્રમુખશ્રી બાબુભાઈ ચૌધરી, દ્ક્ષિણ ગુજરાત વિકાસ સંસ્થા,વ્યારાના મંત્રીશ્રી સુરેશભાઈ ચૌધરી અને કેવિકે, વ્યારાના અન્ય વૈજ્ઞાનિકશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પવિત્ર પ્રસંગે આદિવાસી મહિલાઓએ આદિવાસી મહિલા સંગઠનનું ગીત પણ રજુ કર્યું હતું. કાર્યક્રમના અંતે, કેન્દ્રના વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ.અર્પિત.જે.ઢોડિયાએ આભારવિધિ કરી હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન કેવિકે,વ્યારાના પાક ઉત્પાદન વિભાગના વૈજ્ઞાનિકશ્રી પ્રો. કે.એન.રણા એ કર્યું હતું

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other