જિલ્લામાં વધુમાં વધુ લોકો ખેલ મહાકુંભ-2માં રજીસ્ટ્રેશન કરીને પોતાની ભાગીદારી નોંધાવે તે માટે અનુરોધ કરતા જિલ્લા કલેકટરશ્રી ડૉ. ગર્ગ
તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને ખેલ મહાકુંભ ૨.૦ નાં રજીસ્ટ્રેશન સંદર્ભે બેઠક યોજાઈ
–
દરેક ખેલાડીઓ ઓનલાઇન વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in/khelmahakumbh-registration પરથી રજિસ્ટ્રેશન કરી શકશે
–
ખેલમહાકુંભ ૨.૦માં વિવિધ રમતોમાં વિજેતા થનાર ખેલાડીઓને રોકડ રકમથી પુરસ્કૃત કરાશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૬ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ ૨.૦ નું આયોજન થનાર છે જેનું ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રકિયા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચાલુ કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામા ખેલ મહાકુંભ ૨.૦ના સુચારુ આયોજન અને રજીસ્ટ્રેશન બાબતે જિલ્લા કલેકટરશ્રી વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી. એન. શાહની ઉપસ્થિતિમાં સભાખંડ બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં તાપી જિલ્લા કલેકટરશ્રી વિપિન ગર્ગે જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં ખેલ મહાકુંભ ૨.૦નું રજીસ્ટ્રેશન શરુ થઈ ગયેલ છે.તાપી જિલ્લામાં પણ વધુને વધુ ખેલાડીઓ ખેલ મહાકુંભ ૨.૦ માં ભાગ લઇ ને તાપી જિલ્લાનું નામ રોશન કરે. વિવિધ શાળાઓ,કોલેજોનાં વિદ્યાર્થીઓ તેમજ અન્ય રમતપ્રેમીઓ તથા વધુને વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે અપીલ કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. વધુમાં કલેકટરશ્રી એ ઉમેર્યું હતુ કે તમામ શાળાઓ,આઈ.ટી.આઈ,કોલેજમાં પ્રચાર પ્રસાર થકી વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તે જરૂરી છે.
જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતનભાઇ પટેલ દ્વારા ખેલ મહાકુંભ 2.0 માં રમાનાર વિવિધ રમતો તેમજ ઇનામ વિશે માહિતી વિગતે માહિતી આપી હતી. ખેલમહાકુંભ ૨.૦માં વિવિધ રમતોમાં વિજેતા થનાર ખેલાડીઓને રોકડ રકમથી પુરસ્કૃત કરાશે એમ ઉમેર્યું હતું,
ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત અંડર 09, અંડર 11, અંડર-14 અને અંડર 17 વયજુથના ખેલાડીઓ શાળા કક્ષાએ ફરજીયાત ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરવા જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે. જેમાં દરેક ખેલાડીઓ ઓનલાઇન વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in/khelmahakumbh-registration પરથી રજિસ્ટ્રેશન કરી શકાશે.
આ બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી આર.એસ.પટેલ, વ્યારા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ચૌહાણ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતાબેન ગામીત, તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીનાં અધિકારીઓ તેમજ તાપી જિલ્લાના તમામ બી.આર.સી સી.આર.સી, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના પ્રતિનિધિ અને જિલ્લાના વિવિધ રમતના કોચ – ટ્રેનરો તેમજ રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000000