નાણાંકીય અને વહીવટી પ્રશ્નોનો ઉકેલ ના આવતા ૧૦મી ઓકટોબરે આરોગ્ય કર્મચારીઓ ઉપવાસ પર ઉતરશે.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે તા. ૦૪-૦૩-૨૦૨૩ના સમાધાન મુજબ ૧ થી ૧૨ પ્રશ્નો પૈકી નાણાં ચુકવવા નિર્ણય લેવાયા બાદ સંપૂર્ણ નિકાલ ના આવતા તા. ૦૪-૧૦-૨૦૨૩ના રોજ તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળે જિલ્લા વહીવટી તંત્રને આંદોલનની નોટીશ આપી પ્રતિક ઉપવાસ અને ધરણાના કાર્યક્રમો અંગે ચીમકી ઉચ્ચરતી નોટીશ ફટકારી છે.
તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ કર્મચારીઓના નાણાંકીય પડતર પ્રશ્નો પૈકી ૨૦૧૯માં નિયમિત થયેલા નિઝર, કુકરમુંડાના આરોગ્ય કર્મચારીઓનો પગાર તફાવત, પગાર બીલની રકમ, વાલોડ તાલુકાના બે વર્ષના મોંઘવારી ભથ્થાનો પગાર, ચાલુ માસમાં ચુકવવાના મોંઘવારી ભથ્થા, ઉચ્ચત્તર પગાર ધોરણના બીલો, આંદોલન સમયનો પગાર, જાહેર રજા અને રવિવારે ફરજ બજાવેલ કોરોના સમયગાળાનો પગાર, ૧૦,૨૦,૩૦ યોજાનાની દરખાસ્તો મંજુર કરવી, સી.પી.એફના ખાતા ખોલાવવા સાતમાં પગાર પંચના છેલ્લા હપ્તાની રકમ ચુકવણી સહિત ૧ થી ૧૨ જેટલા નાણાંકીય અને વહીવટી પ્રશ્નો બાબતે આરોગ્ય શાખાની ઘોર નિષ્ક્રીયતા સાથે દુર્લક્ષતા સેવાતા નામદાર સરકારશ્રીએ આપેલ નાણાંકીય લાભોથી વંચિત રાખવામાં આવતા તા. ૧૦-૧૦-૨૦૨૩ના રોજ જિલ્લા ભરના આરોગ્ય કર્મચારીઓ પ્રતિક ઉપવાસ અને ધરણા કરી જિલ્લા વહીવટી તંત્રના અણઘઢ વહીવટી સામે પ્રદર્શન કરશે.
તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત, મંત્રી સંજીવ પટેલે જણાવ્યુ છે કે જો આગામી તા. ૭-૧૦-૨૦૨૩ સુધીમાં કર્મચારીઓના ખાતામાં તમામ બીલોના નાણાં જમા ના થાય તો તા. ૦૯-૧૦-૨૦૨૩ના રોજ પ્રતિક ઉપવાસ અને ધરણા અંગેના આદેશો જારી કરવામાં આવશે. આરોગ્ય કર્મીઓ જયારે આયુષ્યમાન ભવઃ સાથે અસંખ્ય કાર્યક્રમો સફળતા પૂર્વક પાર પાડે છે ત્યારે સમય મર્યાદામાં નિકાલ થાય છે કે કેમ ? તેના પર સૌની મીટ મંડાયેલી છે.
સુરેશભાઈ એચ. ગામીત પ્રમુખ