‘વસુધૈવ કુટુંબકમ થીમ’ ઉપર બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચવાનું કૌશલ્ય, વાદ્ય વગાડવાનું કૌશલ્ય વગેરે જેવાં વિવિધ કૌશલ્યનાં વિકાસનાં ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે જીસીઈઆરટી, ગાંધીનગર દ્વારા કલાઉત્સવનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત ‘વસુધૈવ કુટુંબકમ થીમ’ હેઠળ બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાનાં કલા ઉત્સવનું આયોજન અત્રેનાં બી.આર.સી.ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સી.આર.સી. કક્ષાએ વિજેતા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સ્પર્ધકોને આવકારી તેમની સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી હતી. નિર્ણાયકોનાં મૂલ્યાંકનનાં અંતે પરિણામો ઘોષિત કરવામાં આવ્યા હતાં જે આ મુજબ છે. ચિત્ર સ્પર્ધા: પ્રથમ – પ્રિયા વિનોદભાઈ રાઠોડ (રાજનગર પ્રાથમિક શાળા), બાળકવિ સ્પર્ધા: પ્રથમ – હની અરવિંદભાઈ પટેલ (કુદિયાણા પ્રાથમિક શાળા), ગાયન સ્પર્ધા: પ્રથમ – શ્રી જયેશભાઈ પટેલ (કુવાદ પ્રાથમિક શાળા), વાદન સ્પર્ધા: પ્રથમ – સ્વયં મનિષભાઇ સોલંકી (અસ્નાબાદ પ્રાથમિક શાળા). આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવો એવાં ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ પટેલ, સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષ કિશોરભાઈ રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી મૌલિક એમ. દોંગા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તેમજ ભારતીય જનતા પાર્ટીનાં અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ અને સદર સ્પર્ધાની ટ્રોફીનાં દાતા પ્રવિણભાઇ મકવાણાનાં હસ્તે વિજેતા બાળકોને ટ્રોફી, પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં.
ઉપસ્થિત મહાનુભવોએ પોતાનાં વક્તવ્યમાં સ્પર્ધક બાળકોની ક્ષમતા અને સિદ્ધિને બિરદાવી સૌને શુભેચ્છા પાઠવી હતી. અંતમાં આભારવિધિ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશભાઈ મહેતાએ કર્યું હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.