૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના તાપી જિલ્લામાં ૧૬ વર્ષ
ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક આજે ૧૦૮ની સેવાના ૧૬ વર્ષ પૂર્ણ
માર્ગ અકસ્માત, ગર્ભાવસ્થા, શ્વાસ લેવામાં તકલીફ, હદય રોગ જેવા વિવિધ ૧૪૫૧૦૪ જેટલા કેસોમાં કુલ-૩૦૨૭૬૭ લાભાર્થીઓને સમયસર હોસ્પીટલ પહોચાડ્યા: ૩૨૩૯૪ લોકોના પ્રાણ બચાવ્યા
–
ગર્ભાવસ્થા સંબંધિત કેસોમાં ૨૦૪૮ ડિલીવરી ૧૦૮માં કરાવવામાં સફળતા મેળવી
–
મહામૂલી માનવ જિંદગી બચાવી શકાય તેવા ઉમદા હેતુઓથી પ્રિ-હોસ્પિટલ કેર સાથે હોસ્પિટલ પહોંચવા માટે “૧૦૮ એમ્બ્યુલન્સ” સેવારૂપી યોજના થકી લાભ આપવા રાજ્ય સરકાર સહિત તાપી જિલ્લા આરોગ્ય તંત્ર હંમેશા કટિબધ્ધ છે.-જિલ્લા કલેક્ટરશ્રી વી.એન.શાહ
–
સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં ૧૦૮ની સેવાના ૧૬ વર્ષ પુરા થતા શુભેચ્છા સંદેશ પાઠવતા તાપી કલેક્ટરશ્રી વી.એન.શાહ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.29: રાજ્યના નાગરિકોના આરોગ્યના હિત માટે વર્ષ ૨૦૦૭ માં ઈમરજન્સી તાકીદની સ્થિતમાં જરૂરિયાતમંદ ગંભીર બિમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ પરિવહનની સુવિધા પૂરી પાડવા અને તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સી જેવી કે, હૃદયરોગ, કેન્સર, કીડની,પ્રસૂતિ સંબંધિત, ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ઘવાયેલ, ગંભીર બીમારી અને દાઝી જવાથી થતી ગંભીર ઇજાઓ, રોડ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત, બીમાર નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં ૨૪ કલાક કાર્યરત અધ્યતન એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકારશ્રી દ્વારા ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ યોજના” અમલી કરેલ છે.
29 ઓગસ્ટ, 2007થી 108 નો પ્રારંભ થયો ત્યારે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય આવી સેવા શરૂ કરનાર બીજું રાજ્ય હતું. 108 સેવાને ગુજરાતમાં ૧૬ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.
આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે. એમ્બ્યુલન્સમાં અધતન મેડિકલ સાધનો, દવાઓ, વેન્ટિલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય. રિસ્પોન્સ સેન્ટરમાં કાર્યાન્વિત અધતન ટેકનોલોજી અને લોકેશન બેઇઝ સર્વિસ (LBS) થી સુસજ્જ છે.
તાપી જિલ્લામાં ૧૦૮ની સેવાઓ વર્ષ-૨૦૦૭થી શરૂ કરવામાં આવી હતી. તાપી જિલ્લામાં વર્ષ ૨૦૦૭થી આજદિન સુધી ૧૦૮ના માધ્યમથી મેડિકલ-૨૯૯૦૧૦, પોલીસ-૧૪૩૦, ફાયર-૪૬ મળી કુલ-૩૦૦૪૮૬ કેસો નોંધાયા છે.
આ ઉપરાંત મુખ્ય મેડિકલ ઇમરજન્સી કેસો અંતર્ગત ગર્ભાવસ્થા સંબંધિત કેસ-૯૫૦૧૩ જેમાંથી ૨૦૪૮ ડિલીવરી ૧૦૮માં કરાવવામાં સફળતા મેળવી છે. માર્ગ અકસ્માત સંબંધિત કેસ-૨૭૭૫૫, હદય રોગ સંબંધિત કેસ-૧૦૪૮૬, અને શ્વાસને લગતા કેસ-૧૧૮૫૦ મળી કુલ-૧૪૫૧૦૪ કેસોમાં કુલ-૩૦૨૭૬૭ લાભાર્થીઓને મદદરૂપ બન્યા છે જયારે ૩૨૩૯૪ લોકોના પ્રાણ બચાવવામાં સફળતા મેળવી છે. આ સાથે નોંધનિય બાબત છે કે આ કેસોમાં સરેરાશ ૦:૨૨:૫૧ સેકન્ડના રીસ્પોન્સ ટાઇમ દ્વારા ૧૦૮ની સેવાઓ જરૂરીયાતમંદ સુધી પહોચાડવામાં આવી છે.
હાલ તાપી જિલ્લામાં ૧૬ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં ૩૫ ઇએમટી, ૩૪ પાઇલોટ, ૦૮ કેપ્ટન મળી ૭૭ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે.
ઇમરજન્સી કેસોની માહિતી:
મેડિકલ-૨૯૯૦૧૦,
પોલીસ-૧૪૩૦,
ફાયર-૪૬,
મળી કુલ-૩૦૦૪૮૬ કેસો
મુખ્ય મેડિકલ ઇમરજન્સી કેસોની માહિતી:
ગર્ભાવસ્થા સંબંધિત કેસ-૯૫૦૧૩,
ડિલીવરી- ૨૦૪૮,
માર્ગ અકસ્માત સંબંધિત કેસ-૨૭૭૫૫,
લાઇફ સેવ્ડ-૩૨૩૯૪
હદય રોગ સંબંધિત કેસ-૧૦૪૮૬,
શ્વાસને લગતા કેસ-૧૧૮૫૦,
રીસ્પોન્સ ટાઇમ- ૦:૨૨:૫૧ સેકન્ડ
સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં ૧૦૮ની સેવાના ૧૬ વર્ષ પુરા થતા તાપી કલેક્ટરશ્રી વી.એન.શાહ દ્વારા સમગ્ર આરોગ્ય વિભાગ અને ૧૦૮ના કર્મચારીઓને ખાસ અભિનંદન પાઠવતા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો છે.
કલેક્ટરશ્રી વી.એન.શાહે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક આજે 108 સેવાના તારીખ ૨૯મી ઓગસ્ટ ૨૦૨૩ના રોજ 16 વર્ષ પૂર્ણ કરવા બદલ હું 108 સેવાને અભિનંદન પાઠવું છું.
તાપી જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. ગુજરાત રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરના સૂચકઆંકને લગતા સરકારના લક્ષ્યાંકોને સિદ્ધ કરવામાં ૧૦૮ સેવાનો મહત્વનો ફાળો રહેલ છે.
આમ, આપણી મહામૂલી માનવ જિંદગી બચાવી શકાય તેવા ઉમદા હેતુઓથી પ્રિ-હોસ્પિટલ કેર સાથે હોસ્પિટલ પહોંચવા માટે “૧૦૮ એમ્બ્યુલન્સ” સેવારૂપી યોજના થકી લાભ આપવા રાજ્ય સરકાર સહિત તાપી જિલ્લા આરોગ્ય તંત્ર હંમેશા કટિબધ્ધ છે. તમામ ૧૦૮ સેવાના કર્મચારીઓને શુભેચ્છા આપુ છું.”
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2007 થી મેડિકલ,પોલીસ અને ફાયર સંબંધિત કટોકટીઓ માટે લોકોને 108 ટોલ ફ્રી નંબર દ્વારા ઈમરજન્સી રિસ્પોન્સ સેવાઓ 24×7 પ્રદાન કરવા રાજ્યના તમામ જિલ્લાઓમાં 108 એમ્બ્યુલન્સ સેવાનું અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવ્યું હતું.
ત્યારથી લઇ આજ દિન સુધી 108 સેવાની વધતી લોકપ્રિયતા, વિશ્વસનીયતા અને તેની કાર્યક્ષમતાના કારણે લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. રાજ્યમાં અકસ્માત કે આપત્તિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રીમ સ્થાને છે.
0000000