તાપી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ
જિલ્લાના દરેક તાલુકામાં લક્ષ્યાંક મુજબ કામગીરી કરવા સૂચના આપતા જિલ્લા કલેકટરશ્રી વી.એન.શાહ
–
જિલ્લામાં ૧૦ ગ્રામ પંચાયતના ક્લસ્ટર દીઠ પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમમાં ૨૫,૫૦૬ ખેડૂતોને માર્ગદર્શન અપાયું
–
પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી ખેત પેદાશોના વેચાણ માટે દરેક તાલુકામાં વેચાણ કેન્દ્રો શરુ કરવામાં આવશે
–
માહિતી બ્યોરો,તાપી,તા.૨૯ તાપીમાં જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે ઇંચા.કલેક્ટરશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ અંગેની સમિક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ઉત્પાદન-વેચાણ-વ્યવસ્થાપન અંગે તથા પ્રાકૃતિક ખેતીની તાલિમમાં વધુમાં વધુ ખેડૂતો જોડાઇ તથા ખેડુતો દ્વારા ઉત્પાદિત શાકભાજી તેમજ અન્ય પ્રોડક્ટ્સના વેચાણ અર્થે જગ્યા ફાળવણી સંબંધી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રી વી.એન.શાહે દરેક તાલુકાના ખેતી અને બાગાયત વિભાગના અધિકારીઓને લોકો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરતા થાય તે માટે વહેલી તકે વેચાણ કેન્દ્રો શરૂ કરવા ખાસ તાકીદ કરી હતી.
પ્રાકૃતિક કૃષિની તાલીમમા વધુમાં વધું ખેડુતો જોડાઇ, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો થાય અને, પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર તથા એપીએમસીમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા અંગે આવશ્યક સૂચનો આપી જરૂરી સુચનો આપ્યા હતા.
સરકારના પ્રયાસોથી વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાય, તે માટે તેઓના ઉત્પાદનનું યોગ્ય વેચાણ અને મૂલ્ય મળી રહે તે માટે ગ્રામ્ય, તાલુકા તેમજ શહેર કક્ષાએ જગ્યાની ફાળવણી કરવામાં આવી રહી છે. આવનારા ટુંક સમયમાં તેઓને જગ્યાની ફાળવણી થઈ જાય તે માટે કલેકટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ તાપી દ્વારા અપાતી તાલિમ અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪માં તાપી જિલ્લાના કુલ ૦૭ તાલુકાના ૧૦ ગ્રામ પંચાયતના ક્લસ્ટર દીઠ પ્રાકૃતિક કૃષિ અંગેની કુલ ૯૦૨ તાલીમમાં ૨૫,૫૦૬ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો વિષે ચર્ચા-વિચારણા કરી પ્રાકૃતિક કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં, આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રી અલ્કેશ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસિયા, નાયબ બાગાયત નિયામકશ્રી તુષાર ગામીત, ડિસ્ટ્રીક્ટ લીડ બેંક મેનેજર રસિકભાઈ જેઠવા, ખેડૂત તાલીમ કેન્દ્રના અધિકારીશ્રી સહિત બાગાયત અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
000