વ્યારા નગરપાલિકા ખાતે મેરી મીટ્ટી મેરા દેશ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
તાપી જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં વિવિધ ૮ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો સાથે રંગારંગ નૃત્યો રજુ કરી દર્શકોને ડોલાવ્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧- તાપી જિલલાના મુખ્ય મથક વ્યારા નગરપાલિકા શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે આજરોજ જિલ્લા રમત-ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મેરી મીટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યારાનગરપાલિકા પ્રમુખ શ્રીમતિ સેજલબેન રાણા ના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના પદાધિકારીઓ અને સરહદે સેવા બજાવી નિવૃત્ત થયેલા સૈનિકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દર્શકો મંત્રમુગ્ધ બની દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા.
મેરી મીટ્ટી મેરા દેશ અંતર્ગત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ભાઈ મોદીએ રાષ્ટ્રભક્તિનો આહલેક જગાવી છે એમ કારોબારી અધ્યક્ષ કુલીન પ્રધાને કહ્યું હતું. સરહદે ફરજ બજાવી નિવૃત્ત જવાનોનું અભિવાદન કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૯ ઓગષ્ટે તાપી જિલ્લામાંથી પ્રારંભ થયેલ રાજ્યવ્યાપી અભિયાન દેશદાઝ અને બલિદાનની ભાવનાને ઉજાગર કરે છે. આઝાદીનો અમૃત મહોત્સવ ની સાથે આજે વ્યારા રામ તળાવ ખાતે ૭૫ તુલસીના છોડ વાવવામાં આવ્યા અને ૭૫ જેટલા વૃક્ષો વાવીને વ્યારાને હરિયાળુ બનાવવાની પહેલ કરી છે. આ સ્થળે આપણાં દેશની આઝાદી સમયે શહિદ થયેલા વીર સપૂતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે શીલા અનાવરણ કરવામાં આવ્યું હતું.
મેરી મીટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત તમામ નાગરિકો માટે સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. . જેમાં નાગરિકોએ સેલ્ફી પાડી https://merimaatimeradesh.gov.in વેબસાઈટ ઉપર સેલ્ફી અપલોડ કરવાની રહેશે. આપણે જાગૃત બનીએ દેશને વફાદાર રહી દેશ હિતમાં કોઈપણ કામ હોય તત્પર રહીએ અને આપણાં સમાજને મદદરૂપ બનીએ
જિલ્લા રમતગમત કચેરી દ્વારા યોજાયેલ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રાથમિક શાળા ચીમકુવા, અધ્યાપન મંદિર બોરખડી,કે.બી.પટેલ હાયર સેકન્ડરી, ઉત્તર બુનિયાદી બોરખડી, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, માં શિવદુતી સાયન્સ સ્કુલ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા, કે.કે. કદમ કન્યા વિદ્યાલય મળીને કુલ ૮ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દેશદાઝ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા નૃત્યો દ્વારા આ બાળ કલાકારોએ દર્શકોને તેમની ધમાકેદાર કૃતિઓ રજુ કરીને ડોલાવી દીધા હતા. ચિમકુવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદિપભાઈ આર.ચૌધરીએ તાપી જિલ્લાની રચના ઉપર સ્વરચિત ગીત રજુ કરીને સમગ્ર તાપી જિલ્લાનું દ્રશ્ય ઉભુ કરી તમામ શ્રોતાઓને ચકિત કરી દીધા હતા. દર્શકુમાર પી. ચૌધરીએ દેશભક્તિ ગીત રજુ કરી યુવાઓના દિલ બહેલાવ્યા હતા.
જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીતે તમામ મહાનુભાવોને આવકારી મેરી મીટ્ટી મેરા દેશ અભિયાનમાં સૌને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે તમામ નાગરિકોએ હાથમાં ભારતભૂમિની પવિત્ર મીટ્ટી લઈ પંચપ્રણ લીધા હતા. ઈ.ચા.ચીફ ઓફિસર ધર્મેશ ગોહિલ, દંડક દ્રષ્ટિ અનમૌલા, જિલ્લા રમતગમત કચેરીના યુવા પ્રાંત અધિકારી મીત ચૌહાણ, વ્યારા નગરપાલિકા પદાધિકારીઓ હિતેશ ઉપાધ્યાય, પરેશભાઈ, મૃણાલભાઈ, કલ્પેશભાઇ ઢોડિયા, મનિષભાઇ પંચોલી, માજી સૈનિકો સહિત નગરજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦૦