દેવમોગરા આર્ટ્સ કોલેજ ઉચ્છલ ખાતે “જિલ્લા કક્ષાનો ૭૪મો વનમહોત્સવ” ઉજવાયો
વૃક્ષ કાપવું એ મહાપાપ છે. જંગલ છે તો જીવન છે. સુત્ર સાથે સૌને દર વર્ષે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા સૌને સંકલ્પ બધ્ધ કરતા રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાતના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામવિકાસના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને ઉચ્છલ તાલુકાના મા દેવમોગરા આર્ટ્સ કોલેજ ખાતે “જિલ્લા કક્ષાનો ૭૪મો વન મહોત્સવનો” કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રીએ સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વૃક્ષ કાપવું એ મહાપાપ છે. તેમણે જંગલ છે તો જીવન છે એમ સુત્ર સાથે સૌને દર વર્ષે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા સૌને સંકલ્પ બધ્ધ કર્યા હતા.
મંત્રીશ્રીએ ૭૪ વર્ષથી વન મહોત્સવનો આ મહત્વપૂર્ણ પર્વ આપણે સૌ ઉજવી રહયા છીએ ત્યારે ‘ક્લિન ગુજરાત ગ્રીન ગુજરાત’ની જેમ ‘ક્લીન તાપી ગ્રીન તાપી” બનાવવા સૌને આહવાન કર્યું હતું. વધુમાં તેમણે એક નાગરિક એક વૃક્ષ વાવી વૃક્ષોનું જતન કરીએ તથા વન વિભાગની નર્સરીથી રોપા મેળવી પોતાના ઘર આંગણે ખેતર પાળે કે જ્યા જગ્યા મળે ત્યા રોપવા અને તાપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને લીલુછમ બનાવવા યોગદાન આપવા ખાસ અનુરોધ કર્યો હતો.
અંતે મંત્રીશ્રીએ પોતાના સ્વ.માતાશ્રી સુકીબેન હળપતીના દેવલોક પામ્યાના ત્રીજા દિવસે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પ્રેરણા સ્ત્રોત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને ગણાવ્યા હતા. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માતાશ્રી જ્યારે દેવલોક પામ્યા હતા તેના બીજા જ દિવસથી વડાપ્રધાનશ્રી દેશના વિકાસના કામોમાં પરોવાઇ ગયા હતા. આવા વિશ્વ નેતાના કાર્યો જ સૌ પદાધિકારીઓને સતત પ્રજાની સેવામાં પરોવાયેલા રહેવા માટે પ્રેરિત કરે છે.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવાએ પ્રાસંગિક પ્રવચન આપતા સૌને વન અને વૃક્ષોના મહતવ અંગે અવગત કર્યા હતા. તેમણે કોરોના કાળ વખતે સૌને થયેલા અનુભોવો અંગે યાદ કરાવી તેનાથી શીખ લેવા માટે જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતે પ્રાસંગીક ઉદ્બોધન કરતા સૌને વન મહોત્સવના અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વન અને માનવનો પરસ્પરનો સંબંધ છે. જંગલએ પ્રાણીઓનું ઘર છે તેથી તેની જાણવણી આપણે કરવી જ જોઇએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, જંગલ ખાતુ પોતાની રીતે કામ કરે જ છે પરંતું આપણે પોતે પણ જવાબદાર નાગરિક તરીકે વૃક્ષો વાવી તેનુ જતન કરવું જોઇએ.
પ્રાસંગિક ઉદ્બોધન કરતા મુખ્ય વન સંરક્ષકશ્રી ડો.કે.શશીકુમારએ જણાવ્યું હતું કે, અંબાજીથી લઇ ઉમરગામ સુધી સૌથી વધારે વિકાસ થયો હોય તો તાપી જિલ્લાનો છે. જેનું કારણ છે અહિના સ્થાનિક પદાધિકારીઓ-અધિકારીઓ જેઓ પ્રજાને વિકાસની હરોળમાં આગળ લાવવા સતત પ્રયત્નશિલ રહ્યા છે.
તેમણે સૌને પ્લાસ્ટીકનો સદન્તર ઉપયોગ બંધ કરવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે પ્લાસ્ટીકના કારણે પર્યાવરણને થતા નુકસાન અંગે માહિતગાર કરી ઘર આંગણે વિવિધ ઝાડ રોપવા આહવાન કર્યું હતું.
સ્વાગત પ્રવચન કરતા નાયબ વન રક્ષકશ્રી પુનિત નૈય્યરએ તાપી જિલ્લા વન વિભાગ અને સુરત સામાજિક વન વિભાગની કામગીરી અંગે સૌને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે વર્ષ-2023-24ના વન મહોત્સવ હેઠળ 06 CFP યોજનાના DCP 10*20 નર્સરીના લાભાર્થીઓ તથા SCP યોજનાના SC women 10*20, SHG/SC ગૃપ નર્સરીના લાભાર્થીઓને ચુકવણી કરેલ હપ્તાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મા દેવમોગરા કોલેજના પટાંગણમાં મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી દરેક વ્યક્તિને વૃક્ષનું જતન કરવાના સંદેશ પાઠવ્યા હતા.
કાર્યક્રમના અંતે મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના સ્વ.માતાશ્રી સુકીબેન હળપતીના આત્માને પરમ શાંતી મળે તે માટે સૌએ બે મીનીટ મોંન પાળ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે તથા આભાર દર્શન નાયબ વનસંરક્ષકશ્રી લોકેશ ભાર્દવાજે કર્યું હતું. કાર્યક્રમમાં દેવમોગરા કોલેજના વિદ્યાર્થીનીઓએ પ્રાથના તથા સ્વાગત ગીત રજુ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ સાથે કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ બુગલીયા, સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ, તાલુકાના પંચાયતના પ્રમુખશ્રીઓ, સદસ્યશ્રીઓ જિલ્લાકક્ષાના વન મહોત્સવ ઉજવણીમાં સહભાગી થયા હતા.