વિશ્વ ચેર દિવસ : ગુજરાત ઈકોલોજી કમિશન દ્વારા સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં કરંજ ગામ ખાતે વિશેષ ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : 26 જુલાઈ વિશ્વ ચેર દિવસ તરીકે ઉજવાય છે. મળતી માહિતી મુજબ સમુદ્ર તટ ઉપર કળણભૂમિમાં થતો વનસ્પતિ સમૂહને ચેરનાં કે ભરતીનાં જંગલો કહે છે. Rhizophora પ્રકારની વનસ્પતિઓ અને ઝાડવાં માટે ‘મૅન્ગલ’ શબ્દનો ઉપયોગ અમેરિકનો, સ્પૅનિયાર્ડો અને પૉર્ટુગીઝો કરે છે. આ શબ્દનું પછી ‘મૅન્ગ્રોવ’માં રૂપાંતર થયું છે. વિશ્વમાં ચેરનાં જંગલનો પટ્ટો ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધનાં 30 થી વધારે દેશોનો લગભગ 99,300 ચો.કિમી. વિસ્તાર રોકે છે. ભારતમાં અંદાજે 6,740 ચો.કિમી. ચેર વિસ્તાર છે. આંદામાન અને નિકોબારનો લગભગ 40 % દરિયાકિનારો 260 કિમી.ની ચેરની પટ્ટીથી ઢંકાયેલો છે. પશ્ચિમ બંગાળનું સુંદરવન ‘વૈશ્વિક વારસાનાં સ્થળ’ તરીકે પ્રસિદ્ધ છે જે દુનિયાની નૈસર્ગિક અજાયબી ગણાય છે અને તે 2,123 ચો.કિમી.નો વિસ્તાર ધરાવે છે. સુંદરવનનાં ચેરનાં જંગલો ફળદ્રૂપ અને વૈવિધ્યપૂર્ણ છે, જેમાં ઉભયજીવીઓ, સરીસૃપો, માછલીઓ અને ડૉલ્ફિન તથા શિશુમાર જેવાં સસ્તનો અને હજારો જાતનાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ જોવા મળે છે. ગંગા, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી નદીનાં મુખત્રિકોણમાં અને આંદામાન-નિકોબારનાં ટાપુઓમાં જોવા મળતાં ચેરનાં જંગલોની દુનિયામાં સારામાં સારી જાતનાં ચેરનાં જંગલોમાં ગણના થાય છે.
દરિયાનાં આછા વાદળી પાણી વચ્ચે ચેરનાં લીલાછમ જંગલો તેની શોભા અનેક ગણી વધારી દે છે. દરિયાકાંઠાની સજીવ સૃષ્ટિ માટે અતિ અગત્યનાં ચેરનાં જંગલોની સુરક્ષા માટે લોક જાગૃતિ કેળવવા છેલ્લાં 5 વર્ષથી વિશ્વ ચેર સંરક્ષણ દિન ઉજવવામાં આવે છે. જેનાં ભાગરૂપે આજરોજ સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં કરંજ ગામ ખાતે ગુજરાત ઈકોલોજી કમિશન, ગાંધીનગરનાં લોમેશ બ્રહ્મભટ્ટ (મેનેજર ઈકોલોજી), રોનક ગઢવી, કરંજ તંવર વિકાસ સમિતિ ઉપરાંત ગ્રામજનો દ્વારા દરિયાકિનારે ચેરનું વાવેતર કરી વિશ્વ ચેર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે એક વાતચીતમાં ગુજરાત ઈકોલોજી કમિશનનાં મેનેજર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આજનાં વિશેષ દિવસે ગુજરાત ઇકોલોજી કમિશનનાં સભ્ય સચિવ મહેશસિંહ (IFS)નાં અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે પરિસંવાદ અને ક્ષમતાવર્ધન કાર્યક્રમનું એક દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેર વાવેતર અને સંરક્ષણને સમર્પિત ગામોનો લોક સમુદાય સહર્ષ જોડાયો હતો.