તાપી જિલ્લાના ‘અનસંગ હિરોઝ’ માંથી એક લખાલી પીએચસીના આશા વર્કર આશાબેન ગામીત
મિશન ઇન્દ્રધનુષ યોજના અંતર્ગત ઘરે ઘરે જઇ બાળકો અને સગર્ભાઓને રસીકરણ માટે સર્વે હાથ ધરતા આશા વર્કર આશાબેન ગામીત
–
તાપી જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મયોગીઓ છેવાડાના માનવી સુધી પહોચી નાગરિકોના આરોગ્યની દરકાર કરી રહ્યા છે.
–
*વરસતો વરસાદ હોય, કાદવ કિચડ હોય કે રસ્તામાં વૃક્ષ પડયુ હોય કર્મયોગી આશાબહેન પોતાનું કામ ક્યારેય ટાળતા નથી
–
“આરોગ્ય વિભાગની કામગીરીમાં કોઇ બાંધછોડ ના થઇ શકે.” – આશા વર્કર આશાબેન ગામીત
–
મિશન ઇન્દ્રધનુષ યોજના અંતર્ગત તાપી જિલ્લાની સગર્ભાઓ અને બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવા સર્વેની પ્રક્રિયાનો પ્રારંભ
–
માહિતી બ્યુરો, તાપી તા.૧૪: કોઇ પણ યોજનાનો અસરકારક અમલ ત્યારે જ ગણી શકાય જ્યારે જે-તે યોજનાના કારણે લાભાર્થીઓના જીવનમાં નોંધપાત્ર સુધારા જોવા મળે. અને આ કામગીરી નિષ્ઠાવાંન કર્મયોગીઓના માધ્યમ થકી જ શક્ય બને.
આવા જ એક સમર્પિત કર્મચારીનું ઉત્તમ ઉદાહરણ એટલે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના લખાલી ગામના પીએચસી સેન્ટરના આશા વર્કર આશાબેન રાજેશભાઇ ગામીત, ઢોલીઉંમરના આશાવર્કત ઇલાબેન ગામીત, ઝાંખરી ગામના અન્ય આશા વર્કરબેન અરુણાબેન ગામીત છે.
હાલ ચોમાસાની ઋતુમા પોતાની કામગીરીમાં કોઇ પણ પ્રકારની આળસ કે અવગણના કર્યા વિના ગામેગામ પહોચી મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત સગર્ભા માતાઓ, અને બાળકોના રસીકરણ માટે સર્વેની પ્રકિયા હાથ ધરવામાં આવી છે.
તેઓની કામગીરીમાં એક સમય એવો હતો કે, વધારે વરસાદના કારણે પુલ ઉપરથી પાણી વહેતું હતું. તો કોઇ વખત ગામના રસ્તાઓ કાદવ કીચડથી લથબથ હોય જેના કારણે કોઇ વાહન લઇ જવું પણ મુશ્કેલ હતું. ત્યારે આશાબેન આરોગ્યલક્ષી સામગ્રી ઉપાડી જીવન જોખમ ગ્રામજનો સુધી પહોચતા હતા.
આશા વર્કર આશાબેન આ અંગે જણાવે છે કે, “જિલ્લામાં હાલ રોપણીની શરૂઆત કરવામાં આવી છે. જેના કારણે ઘણી જગ્યાએ લાકો મળતા નથી. એટલે લોકો રોપણીના કામ માટે જાય તે પહેલા અમારે અમારી કામગીરી પુરી કરવી જરૂરી છે. આરોગ્ય વિભાગની કામગીરીમાં કોઇ બાંધછોડ ના થઇ શકે.”
આશાબેન સિવાય ઢોલીઉંમરના આશાવર્કર ઇલાબેન ગામીત, ઝાંખરી ગામના અન્ય આશા વર્કરબેન અરુણાબેન ગામીત, સહિત અનેક બહેનો છે કે જેઓ પૂર્ણ નિષ્ઠાપુર્વક સમર્પિત રીતે તેમની કામગીરી કરી નાગરિકોની સેવા સુશ્રુશા કરી રહ્યા છે.
*આશાબેનનો પરિચય:*
આશાબેન રાજેશભાઇ ગામીત ઝાંખરી ગામના પ્રા.આ.કે-લખાલી ખાતે આશાવર્કર તરીકે છેલ્લા 8 વર્ષથી કામગીરી કરી રહ્યા છે. ૨૦૧૧મા ઉત્કૃષ્ટ કામગીરી માટે તેઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો છે. ૨૦૨૦ કોવીડ ૧૯ અંતર્ગત કોવીડ દરમ્યાન સારી કામગીરી બદલ કોરોના વોરીયર્સ તરીકે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
હાલમા મિશન ઇંદ્ર ધનુષ IMI 5.0 નો પ્રથમ રાઉન્ડ માટે હેડ કાઉન્ટ સર્વે ચાલુ છે. આયોજન મુજબ તારીખ પ્રમાણે નિયમીત કામગીરી અને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી સર્વે કામગીરીમાં ઘણી મુશ્કેલી અને અડચણો હોવા છતા આશાબેન હેડ કાઉન્ટ સર્વે ચાલુ રાખી કામગીરી નિષ્ઠાપુર્વક પાર પાડી રહ્યા છે. જે અન્ય કર્મચારીઓ માટે પ્રેરણાદાયી છે.
ગત તા.૧૧/૦૭/૨૦૨૩ મંગળવારના રોજ તાપી જિલ્લામાં વધુ પડતા વરસાદમાં ઝાંખરી ગામ પાસે આવેલ કોતરડામાં ઘુંટણસમા પાણી ભરાવા છતા પાણીમાંથી પસાર થઇ આશ્રમ ફળીયામાં ઘરે ઘરે જઇને મિશન ઇંદ્રધનુષ IMI 5.0 હેડ કાઉન્ટ સર્વેની કામગીરી પુરી કરી હતી. જેના દ્વારા આશાબેનની કામ કરવાની ધગશ અને લોકોની સેવા પ્રત્યે સજાગતા જોવા મળી છે.
આશાબેન દ્વારા IMI -5.0 હેડ કાઉન્ટ સર્વેમા આશ્રમ ફળીયામા ૫૨ ઘરોમાં H2H સર્વે નંબર આપીને રાઉન્ડ પુર્ણ કર્યા છે. જેમા ૦ થી ૨ વર્ષના ૨ બાળકો, ૨થી ૫ વર્ષ મા ૧ બાળક અને સગર્ભા બે લાભાર્થીની રસીકરણ કર્યું હતું. જેથી કોઇ પણ લાભાર્થી વેક્સીનના Due List મા બાકી રહ્યો નથી.
‘સ્વસ્થ રહે સદા ગુજરાત, આગળ ધપે સદા ગુજરાત’ મંત્ર થકી ગુજરાતમાં અંતરિયાળ વિસ્તારો સુધી આરોગ્યલક્ષી સેવાઓ પહોચાડવાનો હેતુ વર્તમાન સરકારનો છે.
આ ધ્યેય હેઠળ મિશન ઈન્દ્રધનુષ યોજના છેવાડાના માનવી સુધી પહોચાડવાની દિશામાં લોક ભાગીદારીથી કામગીરી હાથ ધરવા આરોગ્ય વિભાગ કામગીરી કરી રહ્યું છે. આ મિશન અંતર્ગત બે વર્ષથી નાની ઉંમરના બાળકો અને રાજ્યની સગર્ભા બહેનોને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાનો ઉદ્દેશ છે.
સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી મોસમ પુર બહારથી ખીલી ઉઠી છે. પરંતું ક્યાંક-ક્યાંક મેધરાજાની વધારે મહેર થતા નદી-નાળા છલકાયા છે. જેના કારણે પુલ ઉપરથી પાણી પણ ફરી વળે છે. અને ગામોના રસ્તાઓ કાદવથી લથપથ થઇ જાય છે. અનેક ગામો સંપર્ક વિહોણા બની જાય છે.
આવા સમયે ઘરથી બહાર નીકળવાનું પણ મન થતું નથી ત્યારે ‘અનસંગ હિરોઝ’ કહી શકાય એવા તાપી જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મયોગીઓ છેવાડાના માનવી સુધી પહોચી તેઓના આરોગ્યની દરકાર લઈ રહ્યા છે.
નોંધનિય છે કે, દેશના ભવિષ્ય સમાન બાળકોને સુરક્ષિત રાખવા માટે અને સગર્ભા માતાઓને 12 જેટલા જીવલેણ રોગો સામે રક્ષણ આપવા વર્ષ 2014 થી મિશન ઇન્દ્રધનુષ અભિયાન હેઠળ રસીકરણ કરવામાં આવે છે. હાલ, સમગ્ર ગુજરાતમાં 12 જેટલા જીવલેણ રોગો સામે બાળકોને રક્ષણ આપવા દર વર્ષે 2 કરોડ 60 લાખ બાળકોને સાર્વત્રિક રસીકરણ યોજના હેઠળ આવરી લેવાયા છે.
ક્ષય, ડીપ્થેરીયા, ધનુર, પોલીયો, કમળો, ન્યુમોનિયા, મગજનો તાવ, ઇન્ફલ્યુએન્ઝા-ટાઇપ-બી, ઓરી, અછબડા, જાપાનીઝ અન્સિફેલાઇટીઝ, રોતા વાઈરસ, અને ડાયેરિયા જેવા રોગોથી બાળકોને બચાવવા માટે વિવિધ પ્રકારની જીવનરક્ષક રસીઓ વિના મૂલ્યે આપવામાં આવે છે.
ગુજરાતથી આરંભાયેલા મિશન ઇન્દ્રધનુષ 5.0 અભિયાન અંતર્ગત રાજ્યભરના સગર્ભા બહેનો અને બાળકોને ધનુર, ઝેરી કમળો, પોલિયો, ક્ષય, ડીપ્થેરીયા, ઉટાટીયું, હીબ બેક્ટેરિયાથી થતો ન્યુમોનિયા તેમજ મગજના તાવ જેવા રોગો અને ઓરી, રૂબેલા જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક રસી આપવામાં આવે છે.
સંકલન-વૈશાલી પરમાર
૦૦૦૦૦૦૦૦