સ્વચ્છતાનો સંદેશ ફેલાવતા સેલુડ પ્રાથમિક શાળાના બાળકો
તાપી નદી સ્વચ્છતા અભિયાન નિમિત્તે બાળકોએ નદી કિનારેથી કચરો એક્ઠ્ઠો કર્યો
–
માહિતી બ્યુરો, તાપી, તા.10: આજે ૧૦ જુલાઈ ‘રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ’ની ઉજવણી અંતર્ગત સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એકવાકલ્ચર, કામધેનું યુનિવર્સીટી, ઉકાઇ અને મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી, ઉકાઇના સહયોગથી તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સેલુડ ગામ ખાતે “તાપી નદી સ્વચ્છતા અભિયાન” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેલુડ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા તાપી કિનારેથી કચરો એકઠ્ઠો કરી નદીને સ્વચ્છ બનાવવાનો સરાહનિય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
તાપી કિનારે વસેલું સેલુડ ગામ મત્સ્યપાલનની દ્રષ્ટીએ શ્રેષ્ઠ ગામ છે. પરંતું પાણીવાટે નદીમાં કચરો પણ જતો હોય છે. જેના કારણે નદીમાં પ્રદુષણ થવાની સાથે–સાથે પાણી દુષિત થવું અને માછલીઓ અને મત્સ્ય પેદાશોમા ઘટાડો થવા જેવી સમસ્યા ઉભી થાય છે.
સેલુડ ગામમાં મોટેભાગે ગ્રામજનો માછીમારી કરી જીવન નિર્વાહ કરે છે ત્યારે આ બાળકો મત્સ્ય પેદાશોમાં થતા ઘટાડા અંગે ભલીભાતી અવગત છે. જેના માટે પોતે જાગૃત બની આજે નદી સાફસફાઇની ઝુંબેશ ઉપાડી હતી. જેમાં બાળકોને નદી કિનારેથી પ્લાસ્ટીક અને કાચ જેવો કચરો એક્ઠ્ઠો કરી ગામની કચરા પેટીમાં નાખ્યો હતો. અને કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને પ્લાસ્ટીકનો ઉપયોગ નહિવત કરવાની સાથે ગામમાં સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો.
બાળકોના આ પ્રયાસને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમમાં “તાપી નદી સ્વચ્છતા અભિયાન” અંતર્ગત સફાઇ અભિયાનમાં ભાગ લીધેલા તમામ બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
દેશનું ભવિષ્ય એવા બાળકો જયારે કોઇ અભિયાન ઉપાડી લે છે ત્યારે કોઇ પણ પરિવર્તન અશક્ય નથી. તાપી નદીની સ્વચ્છતાની બાબતમાં સેલુડ ગામના બાળકોએ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
00000
-વૈશાલી પરમાર