મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની તાપી મુલાકાતની સાથે સાથે
માહિતી બ્યુરો, તાપી તા.07: ગુજરાત, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશના ત્રિભેટે આવેલી સાતપૂડા પર્વતમાળાની ગોદમાં વસેલા તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ડાબરીઆંબા, ગંગથા, મોરંબા, તોરંદા, રૂમકીતળાવ, અને કુકરમુંડા ગામોના ઝંઝાવાતી પ્રવાસે પધારેલા મૃદુ, મિતભાષી, અને પ્રજા વત્સલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન બનેલા કેટલીક રસપ્રદ બાબતો વિશે જાણવું વાચકોને ચોક્કસ ગમશે.
ડાબરીઆંબા ગામના વયોવૃધ્ધ : “આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રી અમારા નાનકડા ગામમા અમને મળવા આવ્યા..!”
ડાબરીઆંબા ગામે પ્રાથમિક શાળાના એસ.એમ.સી. સભ્યો સાથે મુખ્યમંત્રીશ્રી બેઠક યોજી ચર્ચા કરી રહ્યા હતા. જેમાં મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનોને ગામમા કોઇ તકલીફ હોય તો જણાવો એમ પુછતા, એક વયોવૃધ્ધ નાગરિકે ખુબ જ સરળતાથી કહ્યું, “અમે તો જીવનમા પહેલી વાર જોયુ કે, આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રી અમારા નાનકડા ગામમા અમને મળવા આવ્યા..! અમને ખુબ ખુશી થઇ. અમને અહિ કોઇ તકલીફ નથી. ફક્ત શાળામાં કોમ્પ્યુટરો વધારે હોય તો બાળકોને સારૂં રહેશે.”
જેના જવાબમાં મુખ્યમંત્રીશ્રીએ આ બાબતનું આયોજન કરવા જિલ્લા પ્રાથમિક અધિકારીશ્રીને જરૂરી સુચનો કર્યા હતા.
મોરંબા ગામની મહિલાઓએ મુખ્યમંત્રીશ્રીને કહ્યું, “તુમ ચલે ગયે તો હમ સબ નારાજ હો ગયે થે”
ડાબરીઆંબાની મુલાકાત બાદ મુખ્યમંત્રીશ્રી મોરંબા ગામે દુધમંડળી અને ગ્રામ પંચાયતની મુલાકાત લેવાના હતા. ડાબરીઆંબાથી નિકળતા પ્રથમ દુધ મંડળી આવે, પરંતુ કાફલો દુધ મંડળીએ ઉભો ન રહેતા સીધો ગ્રામ પંચાયતે પહોચ્યો હતો. તેથી ગ્રામલોકોને લાગ્યુ કે મુખ્યમંત્રીશ્રી અહીં નહી આવ્યા.
પરંતુ મુખ્યમંત્રીશ્રી પહેલા ગ્રામ પંચાયતે પહોચ્યા બાદ, દુધ મંડળીએ આવી પહોચ્યા ત્યારે તેઓને આવકારવા માટે ઉપસ્થિત સભાસદોના જુથમાંથી એક મહિલા સભાસદે સ્થાનિક બોલીમાં મુખ્યમંત્રીશ્રીને ભાવસભર કહ્યું કે,
“તુમ ચલે ગયે તો હમ નારાજ હો ગયે થે”
મુખ્યમંત્રીશ્રીને કદાચ આટલી આત્મિયતાથી આ રીતે કોઇ ગ્રામજને પહેલી વાર કહ્યું હશે, અને ‘તુમ’ કહી ને કરાયેલું સંબોધન પણ કદાચ પહેલી વાર હશે. આ સાંભળી મુખ્યમંત્રીશ્રીના ચહેરા પર સ્મિત પ્રસરાયું હતું.
મુખ્યમંત્રીશ્રીએ તેના જવાબમાં કહ્યુ કે, “મારી બહેનોને નારાજ થોડી કરી શકુ ?”
અને સ્થળ ઉપર ઉપસ્થિત હર કોઇ આ વાક્ય સાંભળી હસી પડતા સમગ્ર માહોલ પારિવારિક અને આનંદમય બની ગયો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦