મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે કુકરમુંડા તાલુકાના ગંગથા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી
ક્ષયના દર્દીને ન્યુટ્રિશન કીટ અર્પણ કરતા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી
–
માહિતી બ્યુરો તાપી. તા.૦૬: તાપી જિલ્લાના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કુકરમુંડા અને નિઝર તાલુકાના બોર્ડર વિલેજના ગામોની મુલાકાતે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે ડાબરીઆંબા બાદ કુકરમુંડા તાલુકાના ગંગથા ગામની પણ જાતમુલાકાત લીધી હતી.
પોતાના ઝંઝાવાતી પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્યલક્ષી સુવિધાઓનો તાગ મેળવ્યો હતો. ગ્રામીણ આરોગ્ય કેન્દ્રમાં જરૂરી દવાનો પુરતો જથ્થો, સાધન સામગ્રી, આરોગ્ય વિભાગનો સ્ટાફ જેવી બાબતોની સૂક્ષ્મ જાણકારી મેળવી, મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય કેન્દ્રના તમામ વિભાગો અને તેમાં દાખલ દર્દીઓની પણ મુલાકાત લીધી હતી.
દર્દીઓ સહિત સ્થાનિક નાગરિકો પાસેથી ઉપલબ્ધ સેવાઓ અંગેના અભિપ્રાય મેળવવા સાથે, તમામ ગ્રામજનો પાસે પીએમજય કાર્ડ છે કે નહી તે પણ સુનિશ્વિત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર-નર્સ સહિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પાઉલ વસાવા સાથે વાર્તાલાપ કરી સ્થાનિક ધોરણે ઉપસ્થિત થતા પ્રશ્નો જાણવાનો પણ પ્રયાસ હાથ ધર્યો હતો.
દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે તાપીના જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા દ્રારા દત્તક લેવાયેલા ૨૬ જેટલા ટીબીના દર્દીઓ પૈકી ઉપસ્થિત દર્દીને નુટ્રીશન કીટનું વિતરણ કર્યું હતું.
વડાપ્રધાનશ્રીના સપનાને સાકાર કરતા ‘પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન’ અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ અહીં શ્રી અનિલભાઈ ભીમસિંગભાઈ નાઇક, ઉંમર ૨૯, રહેવાસી ઇંટવાયને ન્યુટ્રીશન કીટ અર્પણ કરી હતી.
00000