તાપી જિલ્લાની વિવિધ દુધ મંડળીઓની મુલાકાત લેતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રીશ્રીએ ડાબરીઆંબા અને મોરંબા ગામે દુધ મંડળીની મુલાકાત લઇ કામગીરીની સરાહના કરી
–
તાપી જિલ્લામાંથી વધુમાં વધુ પશુપાલકો દુધ ઉત્પાદન ક્ષેત્રે આગળ આવે તેવી કામના વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ
–
માહિતી બ્યુરો, તાપી તા.૦૬: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજ્યના સરહદી ગામોનો પ્રવાસ ખેડી રહ્યા છે ત્યારે, તાપી જિલ્લાના બોર્ડર વિલેજના ગામોની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ પ્રકલ્પો અંગે પણ સ્વયં જાણકારી મેળવી રહ્યા છે.
તાપી જિલ્લો એકંદરે પશુપાલન અને ખેતી ઉપર નભતો જિલ્લો હોઇ, મુખ્યમંત્રીશ્રીએ ખાસ દુધ મંડળીઓને મળવાની ભાવના વ્યક્ત કરી હતી. જેને અનુલક્ષીને કુકરમુંડા તાલુકાના ડાબરીઆંબા અને મોરંબા ગામ સ્થિત દુધ મંડળીની તેમણે મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ મંડળીના સભાસદો સાથે નાનકડી બેઠક પણ યોજી હતી. જેમા ગ્રામજનો અને સભાસદોના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી.
તાપી જિલ્લામાંથી વધુમાં વધુ પશુપાલકો દુધ ઉત્પાદન ક્ષેત્રે આગળ વધે તેવી કામના પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
દરમિયાન મોરંબા અને ડાબરીઆંબા બન્ને ગામોએ દુધ મંડળીના પ્રમુખ મહિલા છે, એ જાણીને મુખ્યમંત્રીશ્રીએ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે બન્ને દુધ મંડળીઓને સરકારશ્રીની વિવિધ યોજનાના લાભ પણ મળ્યા હોવા અંગેની માહિતી મેળવી હતી.
દુધ મંડળીના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, સંકલીત ડેરી વિકાસ યોજના, દુધ ઘર બાંધકામ માટે સુમુલ ડેરી તરફથી સહાય, પશુપાલન ખાતાની સહાય તથા સુમુલ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર તરફથી મળેલી સહાય અંગેની વિગતો રજૂ કરી હતી.
નોંધનિય છે કે, તાપી જિલ્લામાં કુલ ૫૩૬ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ સહકારી ધોરણે કાર્યરત છે. જેઓ સભાસદો પાસે દૂધ એકત્ર કરી ધી સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી.સુરત (સુમુલ)ને પુરૂ પાડવાનું કામ કરે છે.
તાપી જિલ્લાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ મારફત વાર્ષિક ૨૩૧૪ લાખ લીટર જેટલું દૂધ ઉત્પાદન થાય છે. જેના દ્વારા વાર્ષિક અંદાજિત રૂપિયા ૧૧૭૬ કરોડની આવક જિલ્લાના સભાસદોને પ્રાપ્ત થાય છે.
મોરંબા ગામની વિગતો જોઇએ તો,
મોરંબા ગામમાં ૧૪૦ સભાસદો દુધ મંડળી સાથે સંકળાયેલા છે. જેઓ દ્વારા માસીક ૩૬૫૭૦.૩૦ દુધ ઉત્પાદન થાય છે. જેના દ્વારા સભાસદોને ₹ ૧૪,૩૫,૯૭૨.૭૩ રૂપિયાની આર્થીક આવક પ્રાપ્ત થવા પામી છે.
જ્યારે ડાબરીઆંબા ગામમાં ૩૩૯ સભાસદો દુધ મંડળી સાથે સંકળાયેલા છે. જેઓ દ્વારા માસીક ૬૪૬૯૨.૫૦ દુધ ઉત્પાદન થયુ છે. જેના દ્વારા સભાસદોને ₹ ૩૧,૩૦,૬૦૫.૬૩ રૂપિયાની આર્થિક આવક પ્રાપ્ત થઈ છે.
૦૦૦૦૦૦