રાજ્યના મુખ્યમંત્રીશ્રી તાપી જિલ્લાની સરહદે આવેલા ડાબરીઆંબા ગામે પધારતા ગ્રામજનોમાં ઉત્સાહનો મહાસાગર છલકાયો
મુખ્યમંત્રીશ્રી છેવાડાના આવા નાનકડા ગામમાં પધારતા ગ્રામજનો ખુશ ખુશાલ
–
લોકલાડીલા જન નેતાને સાક્ષાત જોવા ઉમટ્યા ગ્રામીણજનો
–
માહિતી બ્યુરો, તાપી તા.૦૬: છેવાડાના માનવી સુધી વિકાસના સુફળ પહોચાડવાની નેમ અને પ્રતિબદ્ધતા સાથે કાર્યરત ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વયં તાપી જિલ્લાની સરહદે આવેલા ડાબરીઆંબા ગામની મુલાકાતે પધાર્યા છે.
પાડોશી નર્મદા જિલ્લાના આદિવાસી પરિવારની મહેમાનગતી માણીને આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તાપી જિલ્લાના મહેમાન બન્યા છે.
તાપી જિલ્લાના છેવાડેના કુકરમુંડા તાલુકાના મહારાષ્ટ્ર રાજ્યની સરહદે સાતપુડાના પર્વતોની હારમાળા વચ્ચે આવેલા ડાબરીઆંબા ગામે આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર શ્રી ડો.વિપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી એન શાહ તથા ફરજ પરનાં ખાસ અધિકારી અને માહિતી નિયામકશ્રી ધીરજ પારેખ વહેલી સવારે આવી પહોંચ્યા ત્યારે, ગ્રામીણજનો, વહીવટી તંત્રના અધિકારીઓ, અને સ્થાનિક પદાધિકારીઓએ તેમનું ઉમળકાભેર સ્વાગત, અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ અહીં વિવિધ વિકાસના કામો તથા ગ્રામીણ સરકારી સેવા સંસ્થાઓની જાત મુલાકાત લઈ બારીકાઈથી નીરિક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ડાબરીઆંબા ગામે પહેલવહેલી વાર પધારતા સ્થાનિક ગ્રામજનો ખુશ ખુશાલ બન્યા હતા. ગામજનોએ મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોની આગતા સ્વાગતામાં કોઇ કચાસ છોડી ન હતી. ગ્રામજનોમાં લોકલાડીલા મુખ્યમંત્રીશ્રીના આગમનને લઈને ઉત્સાહનો મહાસાગર છલકાયો હતો.
મુખ્યમંત્રીશ્રીએ એસએમસી કમિટી સાથે સંવાદ સાધ્યો
–
મુખ્યમંત્રીશ્રીએ શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે એસએમસી કમિટીના સભ્યો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. જેમાં સભ્યો દ્વારા શાળામાં વધુ કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ રજૂઆતનો સહર્ષ સ્વીકાર કરી ટૂંક સમયમા સુવિધા પહોંચી જશે તેવું આશ્વાસન આપ્યું હતું. આ ઉપરાંત ગામના સરપંચશ્રીને ગામમાં સરકારી યોજનાઓનો લાભ દરેકને મળે છે કે કેમ તે અંગે પણ મુખ્યમંત્રીશ્રીએ પૂછપરછ કરી હતી. ગ્રામજનોએ મુખ્યમંત્રીશ્રી સાથે સીધો સંવાદ કરી પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા. જેને મુખ્યમંત્રીશ્રીએ શાંતિપુર્વક સાંભળી, તાપી જિલ્લા વહિવટી તંત્રના સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શક સાથે વિશેષ સુચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ડાબરીઆંબા ગામે કાર્યરત દુધ મંડળી, આંગણવાડી કેન્દ્ર સહિત પ્રાથમિક શાળાની મુલાકાત લઇ, ત્યાની સુવિધાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી.
૦૦૦૦૦૦૦