તાપી જિલ્લાની ૮૦૧ શાળાઓમાં મધ્યાન ભોજન યોજના થકી ૭૬ હજાર જેટલા વિદ્યાર્થીઓને પિરસાય છે ગરમ અને પોષ્ટીક ભોજન તથા નાસ્તો
મધ્યાન ભોજન યોજના થકી શાળામાં નિયમિતતા, હાજરી વધારવા અને વર્ગખંડની પ્રવૃતિઓમાં બાળકોને આકર્ષિત કરવામાં રાજ્ય સરકાર સહિત તાપી જિલ્લા તંત્ર સફળ
–
માહિતી બ્યુરો, તાપી તા.૦5: બાળકોમાં પોષણ વધારવા અને બાળકોને પોષણક્ષમ ભોજન પૂરૂ પાડવા ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ-૧૯૮૪માં શરૂ કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગરમ અને પોષણક્ષમ ખોરાક પૂરો પાડવાની સાથે બાળકોમાં પોષણ વધારો કરવાનો છે. જેના થકી સમાજના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને શાળામાં નિયમિત આવવા, હાજરી વધારવા, વર્ગખંડની પ્રવૃતિઓમાં આકર્ષિત કરવા અને શાળામાં રસ લેતા કરવા માટે પ્રોત્સાહિત કરવાની યોજના છે.
જેના થકી સમગ્ર ગુજરાતમાં શાળાઓમાં અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટાડવામાં સફળતા મળી છે.
તાપી જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાના માધ્યમથી કુલ-૮૦૩ શાળાઓમાંથી ૮૦૧ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રના વિદ્યાર્થીઓ પોષ્ટીક અને સ્વાદિષ્ટ ભોજન તથા નાસ્તો માણી રહ્યા છે. આ યોજના માટે મામલતદાર કક્ષાએથી મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોને પરમીટ આપવામાં આવે છે. જેમાં જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ અનાજની ફાળવણી કરવામાં આવે છે.
આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક નાગરિકોને રોજગારી મળી રહેતા યોજનાનો ગૌણ ઉદ્દેશરૂપે રોજગારીની તકો પૂરી પાડવામાં આવે છે.
જિલ્લાની આંકડાકિય વિગત:
–
તાપી જિલ્લામાં તાલુકાવાર જોઇએ તો, વાલોડ તાલુકામાં ૮૧ પ્રાથમિક શાળાઓના ૮૧ મધ્યાહન ભોજન કેન્દ્રો, વ્યારા તાલુકામાં ૧૫૬ પ્રાથમિક શાળાઓના ૧૫૫ મધ્યાહન ભોજન કેન્દ્રો, ડોલવણ તાલુકામાં ૧૦૭ પ્રાથમિક શાળાઓના ૧૦૭ મધ્યાહન ભોજન કેન્દ્રો, સોનગઢ તાલુકામાં ૨૫૮ પ્રાથમિક શાળાઓના ૨૫૮ મધ્યાહન ભોજન કેન્દ્રો, ઉચ્છલ તાલુકામાં ૮૮ પ્રાથમિક શાળાઓના ૮૭ મધ્યાહન ભોજન કેન્દ્રો, નિઝર તાલુકામાં ૪૮ પ્રાથમિક શાળાઓના ૪૮ મધ્યાહન ભોજન કેન્દ્રો, કુકરમુંડા તાલુકામાં ૬૫ પ્રાથમિક શાળાઓના ૬૫ મધ્યાહન ભોજન કેન્દ્રો, મળી તાપી જિલ્લાની ૮૦૩ પ્રાથમિક શાળાઓ ખાતે કુલ-૮૦૧ મધ્યાહન ભોજન કેન્દ્રો આવેલા છે.
જેમાં બાળવાટીકામાં ૭૭૨૦ વિદ્યાર્થીઓ, ધોરણ-૧થી ૫ ના ૪૨૭૨૩ વિદ્યાર્થીઓ, ધોરણ-૬થી ૮ના ૨૫૨૮૨ વિદ્યાર્થીઓ મળી તાપી જિલ્લાના કુલ-૭૫૭૨૫ વિદ્યાર્થીઓ ગરમ અને પોષ્ટીક ભોજન તથા નાસ્તોનો લાભ મેળવી રહ્યા છે.
આ બાળકો માટે શાળા પરિવાર સમાન બની છે, જે બાળકના કારકિર્દી ઘડતરથી લઇ ખાણીપીણીની ખાસ તકેદારી રાખી રહી છે.
આ સાથે બાળકોને સંપુર્ણ ખોરાક મળે તે મુજબ ભોજનનું મેનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં પોતાની ખાસીયતો અનુસાર કઠોળ અને શાકભાજીનો સમાવેશ કરવામાં આવે છે.
પોષક મૂલ્યોને ધ્યાને રાખી સુનિશ્ચિત કરાય છે અઠવાડિક મેનું
તાપી જિલ્લામાં પોષક મૂલ્યોને ધ્યાને રાખી અઠવાડિક મેનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. અઠવાડિક મેનું અનુસાર, સોમવારે સુખડીનો નાસ્તો, ભોજનમાં વેજીટેબલ ખીચડી અથવા ખારો ભાત શાકભાજી સહિત,
મંગળવારે નાસ્તામાં કઠોળ ચાટ (કાળા મગ, લીલા મગ, ચણા કે ઉપલબ્ધ કઠોળ), ભોજનમાં ફાળા લાપસી અને શાક અથવા મુઠિયા અને શાક,
બુધવારે નાસ્તામાં મિક્ષદાળ/ ઉપલબ્ધ કઠોળ/ઉસળ, ભોજનમાં વેજીટેબલ પુલાવ,
ગુરૂવારે નાસ્તામાં કઠોળ ચાટ જેમાં આરોગ્યવર્ધક કાળા મગ, લીલા મગ, ચણા જે ઉપલબ્ધ કઠોળ, ભોજનમાં બાળકોની પ્રિય દાળ ઢોકળી,
શુક્રવારે નાસ્તામાં મુઠિયા અને ભોજનમાં દાળભાત,
શનિવારે નાસ્તામાં કઠોળ ચાટ (કાળા મગ, લીલા મગ, ચણા કે ઉપલબ્ધ કઠોળ, ભોજનમાં વેજીટેબલ પુલાવનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કૂપોષણના મુદ્દાને ધ્યાને લેતા “દુધ સંજીવની યોજના” અંતર્ગત તમામ પ્રાથમિક શાળાઓમાં ટ્રાયબલ સબ પ્લાન યોજના હેઠળ દૈનિક ૨૦૦ મી.લી. પોષક તત્વોથી ભરપુર ફેલવર્ડ મિલ્ક પુરૂ પાડવામાં આવે છે. જેના થકી વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસણી કરી તેઓનું મૂલ્યાંકન તથા અધ્યયન કર્યા પછી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર આ બન્ને બાબતોની સકારાત્મક અસર અંગે આ યોજના દ્વારા આંકલન કરવામાં આવે છે.
તાપી જિલ્લામાં મધ્યાહન ભોજન ધરાવતી શાળાઓમાં રસોડાઓના પરંપરાગત અને વધુ શ્રમ પડે તેવા સાધનોને અધ્યતન અને ઉચ્ચ ક્ષમતાવાળા રાંધવાના સાધનો જેવા કે પ્રેસર કુકર, પેન્સ, ઢોકળા મેકર, ચટણી મેકર, ગેસ બર્નર વિગેરે પૂરા પાડીને રસોડાની કક્ષા ઊંચી લાવવાનના સરાહનિય પ્રયાસ હાથ ધરાયા છે.
આ તમામ પ્રક્રિયામાં ગુણવત્તા નિયંત્રિત કરવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનાજ આપતી વખતે તેની ગુણવત્તા ચકાસણી ખાસ આદરવામાં આવે છે.
ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી, સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઇ છે. જેથી બાળકો શાળામાં ભુખે પેટે ન રહેતા ભરપેટ ભોજન મેળવી સંપુર્ણ ધ્યાન અભ્યાસમાં કેળવી શકે છે.
બાળકોના વાલીઓ પણ નિશ્ચિંત પણે બાળકોના ભોજનની ચિંતા કર્યા વિના પોતાના કામમાં ગુણવત્તા કેળવી શકે છે.
આલેખન-સંગીતા ચૌધરી
000000000000