કુકરમુંડા તાલુકાના વિવિધ ગામોમાં ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાતા અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા
નુકશાન થયેલ ઘરવખરીની સર્વેની કામગીરી જિલ્લા તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી
–
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા.30: તાપી જિલ્લાનાં કુકરમુંડા તાલુકામાં ભારે વરસાદને કારણે તથા સાતપુડાના પર્વતીય પ્રદેશમાં પડેલ ભારે વરસાદના કારણે કેવડામોઇ,તુલસા તથા ગોરાસા ગામના કેટલાક ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા.
આ સમાચાર મળતા તુરંત જ પ્રાંત અધિકારીશ્રી નિઝર, મામલતદારશ્રી કુકરમુંડા, તાલુકા વિકાસ અધિકારીશ્રી કુકરમુંડા તથા ડિઝાસ્ટર નાયબ મામલતદાર કુકરમુંડા દ્વારા ગામ મુલાકાત લઇ અસરગ્રસ્તોને નજીકના સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આ સાથે અસરગ્રસ્તોનાં રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ વરસાદ ઓછો થતા ગરનાળામાં ફસાયેલ તથા પર્વતીય પ્રદેશ તરફથી વહીને આવેલ કચરાનો જેસીબીથી નિકાલ કરાવવામાં આવ્યો હતો.
ઘરોમાં ભરાયેલ પાણી ઓસરી જતાં અસરગ્રસ્ત ગ્રામજનો પોતાના ઘરે પરત ફર્યા હતાં. નુકશાન થયેલ ઘરવખરીની સર્વેની કામગીરી જિલ્લા તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તથા કેશડોલ ચુકવવાની કામગીરી પણ હાલ શરૂમાં આવી છે.
00000