૧લી જુલાઇ-ડોકટર્સ ડે : ફ્રી શિપ કાર્ડ યોજનાના માધ્યમ થકી ૧૨૭ આદિવાસી વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાનું સ્વપ્ન પુરૂ કરશે
તાપી જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત ફ્રી શિપ કાર્ડ યોજનાના માધ્યમ થકી વર્ષે-૨૦૨૨-૨૩માં ૯૪૫ આદિવાસી વિદ્યાર્થીઓએ મેડિકલની વિવિધ લાઇનમાં પ્રવેશ મેળવ્યો
–
આ વર્ષે વિવિધ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થતા ફ્રી શીપ કાર્ડ આપવાની કામગીરી શરૂ
–
“બાળકોને ભણાવવા-ગણાવવાની જવાબદારી માતાપિતાની હોય છે પરંતું સરકાર અમારા બાળકોની ચિંતા કરી એક રીતે માતાપિતાની ગરજ સારી રહી છે.” – લાભાર્થીના વાલી દિવ્યાબેન ગામીત
–
હું અને મારો પરિવાર ફીની બાબતે નિશ્ચિંત થઇ ગયા. હું ફક્ત ભણવાની ચિંતા કરૂ છું, ફી ભરવાની ચિંતા હવે નથી. મારે બસ ભણીગણીને સમાજને મદદરૂપ બનવું છે.”- લાભાર્થી આકાશ ગામીત
–
આદિવાસી સમાજ ફક્ત ખેતી અને પશુપાલન પુરતો સિમિત નથી. ઉચ્ચ અભ્યાસ થકી કારકિર્દી ઘડવામાં પણ આદિવાસીઓ અગ્ર હરોળમાં છે.
–
-આલેખન : વૈશાલી પરમાર
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.30- પ્રાઇવેટ કોલેજોમાં ફી વધારે હોવાથી આર્થિક રીતે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકતા નથી. કારણ કે આર્થિક પરિસ્થિતિ એટલી સારી હોતી નથી કે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એટલી વધારે ફી ભરી અભ્યાસ કરાવી શકે નહિ. પણ હવે તે ગુજરાત સરકાર દ્વારા શક્ય બનવામાં આવ્યું છે.
ગુજરાત સરકારે સૌથી વધુ ધ્યાન આદિવાસી સમાજના શિક્ષણ અને રોજગાર ઉપર કેન્દ્રિત કર્યું છે. આદિવાસી બાંધવો ઉચ્ચ અભ્યાસમાંથી બાકત ન રહે તેની તકેદારી રાખવા રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિકાસ અંતર્ગત ફ્રી શીપ કાર્ડ યોજના અમલમાં મુકી છે. જેના થકી અનુસૂચિત જાતી અને જનજાતિના વિદ્યાર્થીઓ સરળતાથી ફી ભર્યા વગર જ ફ્રી શિપ કાર્ડ યોજનાનો લાભ લઇને એડમિશન મેળવી સારી રીતે અભ્યાસ કરી શકે છે.
વર્ષ-૨૦૨૨-૨૩માં ૯૪૫ આદિવાસી વિદ્યાર્થીઓએ મેડિકલની વિવિધ લાઇનમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાંથી ૧૨૭ એમબીબીએસ, એમડી, બીડીએસ, બીએચએમએસ, બીએએમએસમાં પ્રવેશ મેળવ્યો છે, જયારે ૮૧૮ વિદ્યાર્થીઓએ નર્સીંગ, એએનએમ, જીએનએમ, બીએસસી, પીબીબીએસસીમાં પ્રવેશ મેળવ્યો છે. આ ઉપરાંત એન્જીનિયરીંગ ફીલ્ડમાં ૨૨૨ વિદ્યાર્થીઓ, ૧૮૬ ડિપ્લોમા અને ૬૩૦ અન્ય અભ્યાસમાં પ્રવેશ મેળવી કુલ-૧૯૮૩ આદિવાસી બાંધવોએ આ યોજનાનો લાભ પોતાની કારકિર્દી બનાવવા લીધો છે.
ફ્રી શીપ કાર્ડ યોજનાની માહિતી આપતા મદદનીશ કમિશ્નર, આદિજાતિ વિકાસ વ્યારા-તાપી શ્રી નિતીશ કુમારે જણાવ્યું હતું કે, મેડીકલ, પેરામેડીકલ, નર્સીંગ તેમજ એન્જીનીયરીંગ ક્ષેત્રે સ્વનિર્ભર કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કુલ-૧૯૮૩ આદિવાસી વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ અપાયા છે. જ્યારે વર્ષ-૨૦૨૧-૨૨માં ૧૬૫૮ વિદ્યાર્થીઓએ, વર્ષ-૨૦૨૦-૨૧માં કુલ-૧૫૭૫ અને વર્ષ-૨૦૧૯-૨૦માં કુલ-૧૩૭૯ વિદ્યાર્થીઓએ સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગની ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ લીધો છે.
ચાલુ વર્ષે ૧૨મા ધોરણના પરિણામો આવી ચુક્યા છે. ત્યારે વિવિધ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. જેના માટે તાપી જિલ્લા સેવા સદનના બ્લોક-4, ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત આદિજાતિ વિકાસ વિભાગ ખાતે ફ્રી શીપ કાર્ડ માટે અરજીઓ સ્વિકારવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જેનો વિદ્યાર્થીઓ અને વાલીઓએ અવશ્ય લાભ લેવો જોઇએ.
લાભાર્થી – આકાશ ગામીત
આ યોજનાના લાભ થકી ડોક્ટર બનવાના સ્વપ્નને સાકર કરતા એમબીબીએસના બીજા વર્ષમાં વડોદરા સ્થિત પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી આકાશ ગામીત જણાવે છે કે, “હું નાનપણથી ડોક્ટર બનવા માંગતો હતો. પરંતું મારો પરિવાર મધ્યમ પરિવાર છે. ફીનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હતો. પરંતુ સરકારશ્રીની આદિજાતી વિભાગની ફ્રી શિપ કાર્ડ યોજના વિશે માહિતી મળતા હું અને મારો પરિવાર ફીની બાબતે નિશ્ચિંત થઇ ગયા છે. હું ફક્ત ભણવાની ચિંતા કરૂ છું ફી ભરવાની ચિંતા હવે નથી. મારે બસ ભણીગણીને સમાજને મદદરૂપ બનવું છે. હું સરકારશ્રીનો આભારી છું”
લાભાર્થીના વાલી દિવ્યાબેન ગામીત
લાભાર્થી વિદ્યાર્થીના વાલી તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત ગામના વતની દિવ્યાબેન ગામીતે સરકારશ્રીનો આભાર વ્યકત કરતા જણાવ્યુ હતું કે, “બાળકોને ભણાવવા-ગણાવવાની જવાબદારી માતાપિતાની હોય છે. પરંતું સરકાર અમારા બાળકોની ચિંતા કરી એક રીતે માતાપિતાની ગરજ સારી રહી છે. અમારા જેવા મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓને માટે ફ્રી શિપ કાર્ડ યોજના આશીર્વાદરૂપ બની છે. અમે સરકારશ્રીના આભારી છીએ.”
કન્યાઓમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે તે માટે ફ્રી શીપ કાર્ડ કઢાવવા કન્યાઓ માટે કોઈ આવક મર્યાદા નથી. જ્યારે કુમાર માટે આવક મર્યાદા ૨.૫૦ લાખ નિર્ધારિત કરવામાં આવી છે. આમ સરકારશ્રીની ફ્રી શીપ કાર્ડ યોજનાથી શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. છેવાડાના ગામડાઓમાં આદિવાસી પરિવારોના બાળકો ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી સારૂં શિક્ષણ પ્રાપ્ત કરી ઉજ્વળ ભવિષ્ય બનાવી શકે છે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નિર્ણાયક નેતૃત્વ હેઠળ આદિવાસી ગામોના વિકાસની નવતર પરિભાષા અંકિત થઇ છે. આજે આદિવાસી સમાજ ફક્ત ખેતી અને પશુપાલન પુરતો સિમિત નથી. ઉચ્ચ અભ્યાસ થકી કારકિર્દી ઘડવામાં પણ આદિવાસીઓ અગ્ર હરોળમાં છે. રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં આવેલા ગામડાઓના આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે સરકારશ્રીની ફ્રી શીપ કાર્ડ યોજના આશિર્વાદરૂપ બની રહી છે.
00000000