દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાના પગલે તાપી જિલ્લા તંત્ર એક્શન મોડમાં

Contact News Publisher

તાપી જિલ્લામાં કુલ-30 જેટલા કોઝ વે ઓવર ટોપ થતા જિલ્લા તંત્ર દ્વારા ત્વરીત પગલા લઇ રસ્તા ઉપરથી પાણી ઉતરતા તુરંત જ સાફ સફાઇની પ્રક્રિયા હાથ ધરવામાં આવી

જિલ્લા સહિત તાલુકા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત

(માહિતી બ્યુરો): વ્યારા-તાપી 29: રાજયના હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાના પગલે સંબંધિત જિલ્લાઓનું વહિવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એકશન મોડમાં આવી ગયું છે.

દરમિયાન દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદના પગલે, જિલ્લામાં વહીવટીતંત્ર સાબદુ બની ગયું છે. તંત્ર દ્વારા સરાહનિય કામગીરી હાથ ધરાતા પ્રજાજનોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તેની તકેદારી સાથે આવશ્યક કામો પુરા કરી રહ્યું છે.

આજ તા.29-06-2023ના રોજ જિલ્લામાં સાંજે 4 વાગ્યા સુધી મળેલ માહિતી અનુસાર કુલ-30 જેટલા કોઝ વે ઓવર ટોપ થતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરીત પગલા લઇ રસ્તા ઉપરથી પાણી ઉતરતા તુરંત જ સાફ સફાઇની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેને પગલે પ્રજાને બીલકુલ પણ હાલાકીનો સામનો કરવો પડ્યો નથી.

જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના સતત માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા તંત્ર દ્વારા વરસાદને લગતી સમસ્યા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વિવિધ સ્થળોએ કોઝ વે ઓવર ટોપ થતા તંત્રના સંબંધિત અધિકારી-કર્મચારીઓ પોતે સ્થળની તપાસ કરી કામગીરીમાં માર્ગદર્શન આપી રહ્યા છે. આ સાથે જિલ્લા સહિત તાલુકા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે.

આ ઉપરાંત આગામી આગાહીને ધ્યાને લેતા તાપી જિલ્લામાં આવેલ કોઝ વે વધુ વરસાદને કારણે ઓવરફલો થાય તેવી પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ, પોલીસ વિભાગ તથા સબંધિત મામલતદાર કચેરી સંકલનમાં રહી કોઝ વેની બંને બાજુ જી.આર.ડી/હોમગાર્ડના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. જેથી લોકોની અવર જવર બંધ કરી કોઈ પણ જાનહાનિ ન થાય તેની તકેદારી તંત્ર રાખી રહ્યું છે.

આ સમગ્ર કામગીરીમાં તાપી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત, પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, વિસ્તરણ અધિકારી સહિત ગામના સરપંચ, તલાટી, અને જાગૃત નાગરિકો ખડેપગે કામગીરી કરી રહ્યા છે.
000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *