વ્યારા પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી : ઠેર ઠેર પાણીનો ભરાવો : લોકો ત્રસ્ત!

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીમા નકરી વેઠ ઊતારી હોવાથી નગરમા ઠેર ઠેર પાણીનો ભરાવો થતાં લોકોએ ભારે હાલાકી ભોગવવાની નોબત આવી છે.
વ્યારા નગરમા નવી વસાહત હોય કે સીંગી ફળિયુ જ્યા જુઓ ત્યા પાણીનો ભરાવો થવાથી લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. વ્યારા નગર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીમા નકરી વેઠ ઊતારી ગટરોની યોગ્ય સાફ સફાઈ હાથ નહી ધરાતા પાણીનો ભરાવો થતો જોવા મળી રહ્યો છે. ગટરોની સાફ સફાઈ નહી કરવામા આવતા ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્યોએ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી નાંખી છે.
ગટર સફાઇના અભાવે ફક્ત બે ઇંચ વરસાદમાં વોર્ડ નંબર ૩ની પરિસ્થિતિ ઉપરની તસવીરમા જોઈ શકાય છે. વોર્ડ નંબર ૩મા જ્યારે ગેરકાયદેસર બાંધકામ થતુ હતુ તે સમયે પાલિકાને રજૂઆતો કરવા છતા પણ આંખ આડા કાન કરવાની નીતિને પગલે ચોમાસામાં પરિસ્થિતિ વિકટ બની રહી છે. પાણીના નિકાલની જગ્યા નહી રહેતા પાણીનો ભરાવો થયેલો જોઇ શકાય છે.
લોકોને પડતી તકલીફો દૂર કરવા પાલિકા તંત્ર આળશ ખંખેરે એ સમયની માંગ છે.