ડાંગના જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર શ્રી કમલેશ પત્રેકરને મળ્યું રાજ્ય સ્તરીય સન્માન
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા: ૨૨: યોગને જન જન સુધી પહોંચાડી સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફ લોકોને દોરવાના સંકલ્પ સાથે યોગને લોકભોગ્ય બનાવનાર ગુજરાત યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી કમલેશ પત્રેકરને રાજ્ય સ્તરીય સન્માન પ્રાપ્ત થયું છે.
નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બેસ્ટ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર, બેસ્ટ યોગ કોચ, બેસ્ટ યોગ ટ્રેનરને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માનિત કરાયા હતા.
રાજ્યભરમાંથી પસંદ થયેલી શ્રેષ્ઠ કામગીરી જેવી કે યોગ પ્રવાસ, લોક સંપર્ક, યોગ વર્ગોની મુલાકાત, નવા યોગ ટ્રેનરો બનાવવા તેમજ તેમની સાથે તાદાત્મીયતા કેળવી શ્રેષ્ઠ યોગદાન આપનાર સેવાકર્મીઓને સન્માનિત કરવાના ભાગરૂપે ડાંગના કો-ઓર્ડીનેટર શ્રી પત્રેકરને આ સન્માન પ્રાપ્ત થયું છે.
શ્રી પત્રેકરે તેમના મળેલા આ સન્માન બદલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય યોગ બોર્ડ, ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલ, તથા જિલ્લા રમતગમત કચેરી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
છેલ્લા ઘણા વર્ષથી યોગમા પ્રવૃત્ત શ્રી પત્રેકર ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના થતા યોગ કોચ તરીકે વલસાડ જિલ્લામા ૨૦૦ થી વધારે યોગ ટ્રેનરોને તાલીમ આપી હતી. ત્યાર બાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિંનેટર તરીકે ડાંગ જિલ્લામા કામ કરવાની તક મળ્યા બાદ, નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સુરત ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ સન્માન પ્રાપ્ત થવા પામ્યું છે.