કોસમાડી પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : કામરેજ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કોસમાડી પ્રાથમિક શાળાનાં પરિસરમાં ધોરણ ૧ અને બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર નવીન પ્રવેશપાત્ર બાળકો માટેનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયત સુરતનાં ચેરમેન મુકેશભાઈ રાઠોડ, તાલુકા પંચાયત કામરેજ કારોબારી સમિતિનાં ચેરમેન રસિકભાઈ પટેલ, સરપંચ વસુબેન વસાવા, ઉપસરપંચ ઉર્વીશભાઈ પટેલ, માજી સરપંચ રાકેશભાઈ કંથારીયા, એસએમસી અધ્યક્ષ અને સભ્યો, આરોગ્ય વિભાગ તથા આંગણવાડી વિભાગનાં કાર્યકરો, આશા વર્કર બહેનો, વાલીઓ ઉપરાંત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
ઓરિસ્સા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોનાં મોક્ષાર્થે બે મિનિટનું મૌન પાળી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. શાબ્દિક તથા પુષ્પગુચ્છથી આવકાર બાદ તમામ બાળકોને કુમકુમ તિલક કરી દાતાશ્રીઓ તરફથી શૈક્ષણિક કીટ, પાઠ્યપુસ્તકો, ચોકલેટ અને મીઠાઈ આપી વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો.
અધ્યક્ષસ્થાનેથી બોલતાં ચેરમેન મુકેશભાઈએ ૧૦૦ ટકા નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાલક્ષી શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો. તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને સરકારની બાળકો માટે જે વિવિધ યોજનાઓ થકી મળતાં લાભ વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં આચાર્ય યાસીનભાઈ મુલતાનીએ કર્યું હતું.