“ગેરકાયદેસર બાંધકામ અંગે જાણ થતા તાત્કાલિક ધોરણે તેને દુર કરો.”- જિલ્લા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગ
જિલ્લા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજાઇ
(માહિતી બ્યુરો વ્યારા) તા.17- તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં તાપી જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી વિવિધ બાબતોની સમિક્ષા કરતા કલેકટરશ્રી ગર્ગે જણાવ્યું હતું કે, જે એજન્સીઓ કામ અધુરા રાખીને જતી રહી હોય કે કામોમાં બેદરકારી રાખતી હોય તેઓને બ્લેકલીસ્ટ કરી વડી કચેરીએ તેઓ વિરૂધ્ધ પગલા લેવામાં આવે. તેમણે જે-તે એજન્સીની ડીપોઝીટ જપ્ત કરવા વિવિધ વિભાગોને માર્ગદર્શન આપ્યું હતું.
કલેક્ટરશ્રીએ નવા દબાણો તાત્કાલીક ધોરણે દુર કરવા અંગે કહ્યુ હતું કે, ગેરકાયદેસર બાંધકામ કોઇ પણ જગ્યાએ થવા દેવું નહી. આવા દબાણો અંગે જાણ થતા તાત્કાલિક ધોરણે તેને દુર કરો. ઉકાઇ પ્રતિબંધિત વિસ્તારમાંથી તાત્કાલીક ધોરણે દબાણ દુર કરવા સંબંધિત વિભાગને સુચના આપી હતી.
તેમણે સરકારી નાણાની વસુલાત અંગે સંબંધિત વિભાગોને સમયાંતરે વસુલાત કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત બેઠકમાં નાગરિક ખરડા, એ.જી.ઓડીટ પેરા, પડતર કાગળો, ખાતાકિય તપાસ, ગુજરાત તકેદારી આયોગ તરફથી મળેલા પ્રશ્નો, સાંસદશ્રી/ધારાસભ્યશ્રીઓના રેફરન્સ પ્રશ્નો તથા ગત બેઠકમાં રજુ થયેલા પ્રશ્નોનો એક્શન ટેકન રીપોર્ટ સહિત વિવિધ મુદ્દાઓની સમિક્ષા કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં ડી.વાય.એસ.પીશ્રી ચંદ્રસિંહ જાડેજા, પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ, સહિત સંકલન સમિતીના વિવિધ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦