પાલ ગામ સ્થિત શાળામાં રંગેચંગે પ્રવેશોત્સવ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત શ્રી ખુશાલભાઈ વનવાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક 319 માં આજરોજ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. સુરત શહેર સ્ટેન્ડિંગ કમિટીનાં પૂર્વ ચેરમેન અને હાલ શહેર મહામંત્રી એવાં મુકેશભાઈ દલાલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ પ્રવેશોત્સવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં શાસનાધિકારી વિમલભાઈ દેસાઈ પણ જોડાયા હતાં. સ્થાનિક કોર્પોરેટર નિલેશભાઈ, સ્થાનિક આગેવાનો સર્વશ્રી મહેશભાઈ, ગફુરભાઈ, મનહરકાકા, ભરતભાઈ પટેલ તથા લાયન્સ કલબનાં સભ્યોની ઉપસ્થિતિમાં આંગણવાડીનાં બાળકો, બાલવાટિકાનાં બાળકો અને ધોરણ-૧ નાં પ્રવેશપાત્ર બાળકોને કુમકુમ પગલા પાડી ફૂલો વડે વધાવીને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં શાળામાં આવકાર આપવામાં આવ્યો હતો.
પ્રારંભે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કરવામાં આવ્યા હતાં. બેટી બચાવો બેટી પઢાવો અને યોગ વિષય પર વિદ્યાર્થીઓએ વક્તવ્ય આપ્યા હતાં. આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં શાસનાધિકારીએ શાળાનાં આચાર્ય પ્રકાશભાઈ પરમારનું સન્માન કરતાં જણાવ્યું કે પ્રકાશભાઈનું લખેલું ગીત પાઠયપુસ્તકમાં લેવાયું છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. તેમણે 21માં પ્રવેશોત્સવનો હેતુ અને સિદ્ધિ પણ વર્ણવ્યાં હતાં. સમારંભનાં ઉદઘાટક મુકેશભાઈ દલાલે જીવનમાં શિક્ષણનાં મહત્વ વિશે વાત કરી વાલીઓને પોતાનાં બાળકોને ભણતર માટે પ્રેરણા આપી હતી. મોટી સંખ્યામાં વાલીઓ અને SMC સભ્યો સહિત યુ.આર.સી. રમેશભાઈ અને સી.આર.સી. સ્નેહલબેન પણ ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમની શોભા વધારી હતી.
કાર્યક્રમનાં અંતિમ ચરણમાં શાળાનાં તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત દાતાઓનું પણ સન્માન કરાયું હતું. પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા બાળકોનાં આરોગ્ય કાર્ડ કાઢવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમની સુંદર ફોટોગ્રાફી તથા વિડિયોગ્રાફી અર્ચનાબેને કરી હતી. અંતમાં આભારવિધિ શાળાનાં શિક્ષિકા હેતલબેને કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં વિદ્યાર્થીઓ પૈકી ખુમાણ માનસી, સૈયદ નઈમ તથા સાધુ ઉત્સવ દ્વારા સુપેરે કરવામાં આવ્યું હતું.