સંસ્કારી બનીને સંયમી બનવું એ જીવન જીવવાની જડીબુટ્ટી છે : પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શન વિજ્યજી મહારાજ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કાનપુરા સ્થિત શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલયની સામે આવેલા શ્રીવ્યારા જૈન સંઘના ઉપાશ્રયે પધારલા પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શન વિજ્યજી મહારાજે અમૃતવાણીનું આચમન કરાવતા ધર્મપ્રેમી ભાવુકો સમક્ષ જણાવ્યું હતું કે, સંસ્કારી બનીને સંયમી બનવું એ જીવન જીવવાની જડીબુટ્ટી છે. સંપત્તિના દુષ્કાળ કરતાં આજે સંસ્કારોનો દુષ્કાળ ચાલી રહ્યો છે. સંસ્કારોને ભૂંસી નાખવાનું કામ સંપત્તીએ કયું છે. સંપત્તિના માર્ગમાં શુદ્ધિ રહી નથી. અન્યાય, અનીતિ,અનાચાર અને વિશ્વાસઘાતે કાળો કેર વર્તાવ્યો છે. ન્યાય, નીતિ અને નિષ્ઠા નામનો ધર્મ વિસરાઈ રહ્યો છે. ઈઝી મની અને ઈન્સ્ટન્ટ મની નું ભૂત ભલભલાને સવાર થઈ ચૂક્યું છે. પરિશ્રમ કરીને પસીનો કોઈને પાડવો નથી. રાતો રાત બધાને કરોડપતિ બની જવું છે. સંસ્કારોનો કચ્ચરઘાણ બોલાવીને જેઓ સંપત્તિનાં સ્વપ્ન જોઈ રહ્યા છે. તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમાધિ ક્યારેય પ્રાપ્ત નહીં થાય. ટેન્શન અને ડિપ્રેશનના મૂળમાં સંપત્તિ છે. .
સંપત્તિની પાછળ પાગલ બનેલાઓના શરીર પણ ખખડવા માંડ્યા છે. જેમના જીવનમાં શરીરનું આરોગ્ય નથી તેની પાસે સંપત્તિના ઢગલા હોય તો પણ શું કરવાના? હવે તો ડાયાબિટીસ, બ્લડપ્રેશર,કીડનીનું ડાયાલીસીસ, પેરાલીસીસ અને કેન્સર સ્ટેટસ સિમ્બોલ બન્યા છે. ભલભલાના ઘુંટણ ઘસાવા માંડ્યા છે. મણકાની ગાદી દબાવી જેવા પ્રોબ્લેમો તો જાણે કે સામાન્ય થઈ ગયા છે. શરીરના પ્રશ્નો શ્રીમંતોમાં વધુ પડતા જોવા મળે છે. મજૂરો પાંચ મણની ગુણીઓ રોજ ઉચકે છે છતાં તેનું શરીર સ્વસ્થ રહેશે. જેને ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે થવાનું છે, તેના શરીર વધુ બગડે છે. બેઠાડુ જીવન બને તેમનામાં રોગી ઘર કરી નાંખે છે. જીવનનાં છેલ્લા શ્વાસ સુધી કોઈને કોઈ કામમાં સતત પ્રયત્નશીલ રહેવું જાઈએ. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત પ્રવૃત્તિશીલ રહેતા હોવાના કારણે સંપૂર્ણ તનથી અને મનથી સ્વસ્થ અને પ્રસન્ન હોય છે. એમને ક્યારેય માંદગી આવતી નથી. મોરારજીભાઈ દેસાઈ પણ મસ્તરામ હતા.સંસ્કારી બનવા માટે પ્રયત્ન કરવો જોઈએ. સંપત્તિ કરતાં પણ સંસ્કારોની ચિંતા વધુ કરવી જોઈએ.