તાપી જિલ્લામાં આગામી ૧૨મી થી ૨૬ જુન-૨૦૨૩ દરમ્યાન સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયા ઉજવણી

Contact News Publisher

ઓ.આર.એસ. અને ઝીંક વિતરણ સાથે સ્વચ્છતા અંગે જન જાગૃતિ, હાથ ધોવાની પધ્ધતિનું નિદર્શન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરાશે
…………….
માહિતી બ્યુરો તાપી તા.૦૮: સમગ્ર રાજ્યમાં દર વર્ષે ચોમાસા પહેલા સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયા કેમ્પેનનું આયોજન આરોગ્ય વિભાગ અંતર્ગત કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ તા.૧૨-૦૬-૨૦૨૩ થી ૨૬-૦૬-૨૦૨૩ દરમ્યાન સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયું ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. આ કેમ્પેઈનનો હેતુ ઝાડાના કારણે કોઈપણ બાળકનું મૃત્યુ ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે આ કેમ્પેઈન દરમ્યાન સામુદાયિક અને સંસ્થાકીય સ્તરે ઝાડા અટકાવવા અને સારવાર માટે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, ઓ.આર.એસ. અને ઝીંક વિતરણ અને તેના ઉપયોગ અંગે માર્ગદર્શન, સ્વચ્છતા અંગે જન જાગૃતિ, હાથ ધોવાની પધ્ધતિનું નિર્દર્શન વિગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
તાપી જીલ્લામાં સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયા ઉજવણી અંતર્ગત તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ઓ.આર.એસ. અને ઝીંક કોર્નર તૈયાર કરવાનું આયોજન કરવામાં આવેલ છે. આશા બહેન દ્વારા ૫ વર્ષથી નાના બાળકોના ઘરે જઈને ORSનું વિતરણ કરશે તેમજ ORS બનાવવાની પદ્ધતિ વિશે સમજણ આપશે. ‘મમતા દિવસ’ના દિવસે આરોગ્ય કાર્યકરો દ્વારા લાભાર્થીઓ સાથે ORS અંગે માર્ગદર્શન તથા સંપરામર્શ કરશે. શાળા, આઉટરીચ સેશન, મમતા સેશન, આંગણવાડી તથા ઘર મુલાકાત દરમ્યાન હેન્ડવોશ અને હાઈજીન અંગે આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવશે. તમામ આરોગ્ય સંસ્થા ખાતે પાણીની ટાંકીની સાફ-સફાઈ હાથ ધરાશે. તમામ આરોગ્ય કર્મચારીઓને ડાયેરીયા કેસ મેનેજમેન્ટ અંગેની તાલીમ આપવામાં આવશે.
સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયા ઉજવણી આરોગ્ય વિભાગ, આઈ.સી.ડી.એસ. વિભાગ, પાણી અને પુરવઠા વિભાગ, WASMO અને શિક્ષણ વિભાગ સાથે આંતર વિભાગીય સંકલન કરી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે એમ તાપી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા અખબારીયાદીમાં જણાવાયું છે.
0000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other