રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાઇ અગત્યની બેઠક
માહિતી બ્યુરો તાપી તા.૦૮ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક અગત્યની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં પ્રજાજનો દ્વારા રજુ થતા પાણીના વિવિધ પ્રશ્નો તથા વીજ કનેકશનના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું કે, અહીના લોકોના સહયોગથી જ ઉકાઇ ડેમ બન્યો છે. તેથી તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવુ આયોજન કરવુ એ આપણી જવાબદારી છે. વીજ જોડાણના પ્રશ્નો અંગે પણ સંબંધિત અધિકારીઓ સાથે મંત્રીશ્રીએ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.
ઉકાઇ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠક દરમિયાન ઉકાઇના વેપારીઓને ફાળવવામાં આવેલ મકાનોની ચર્ચા પણ હાથ ધરવામાં આવી હતી. મંત્રીશ્રીએ ઉપસ્થિત વેપારીઓને જણાવ્યું હતું કે, આપણને સરકાર આટલી બધી સહાય કરતી હોય તો સરકાર દ્વારા નક્કી કરેલ ભાડું ચુકવવાની આપણી ફરજ બને છે. મંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને વેપારીઓ પાસેથી લેવામાં આવતા ભાડાની સમયસર ઉધરાણી થાય તે નક્કી કરી, અને આગાઉના બાકી રહેલ ભાડાની રકમ, વેપારીઓને કોઇ બોજો ના પડે તે રીતે હપ્તાવાર ઉઘરાણી કરવા જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વર્ષોથી ઉકાઇ ખાતે હાટ/બજાર ભરાય છે. ત્યારે અહિં સેડ બનાવી દુકાનદારો/વેપારીઓને દુકાનોની સુવિધા ઉપલબ્દ્દ થશે. વરસાદ અને ઉનાળા જેવી ઋતુઓમાં તેમને રાહત મળશે, અને સાથે હાટ બજાર લોકો અને સરકાર માટે આવકનું સાધન પણ બની રહેશે.
મંત્રીશ્રીએ તાપી જિલ્લો આદિવાસી વિસ્તાર હોઇ સંવેદનશિલતા સાથે પ્રેક્ટીકલ બની કામગીરી કરવા સૌને અનુરોધ કર્યો હતો.
0000000000000