પર્યાવરણની જાળવણી માટે તાપી જિલ્લો હરહંમેશ કટિબદ્ધ : મહિલાઓની સહભાગિતા પણ પ્રેરણાદાયી
વિશ્વ પર્યાવરણ દિન વિશેષ : વૃક્ષારોપણ સર્વોપરી
…………..
“ચાલો સૌ મળીને લોકોને પર્યાવરણના જતન માટે જાગૃત કરીએ, સાથે મળીને વૃક્ષારોપણ કરીએ
………………
પર્યાવરણના રક્ષણ માટે તાપી જિલ્લાના નગરજનો કટિબદ્ધ છે, વિશ્વ પર્યાવરણ દિવસે પ્રણ કરીએ લોકોને જાગૃત કરીએ
…………..
આલેખન – સંગીતા ચૌધરી
માહિતી બ્યુરો તાપી. તા.૦૫ પર્યાવરણ સુરક્ષાની વાણીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, NCC-NSS કેડેટ્સ તથા યુવાપેઢીના વર્તનમાં કેળવીને ભાવિ પેઢી માટે શુદ્ધ વાયુ, સ્વચ્છ પાણી અને સ્વસ્થ વાતાવરણ-પર્યાવરણ આપવા માટે રાજ્ય-રાષ્ટ્ર સહિત તાપી જિલ્લો પણ તે દિશામાં અગ્રેસર છે.
‘ટૂંકું ને ટચ’ આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, વિશ્વમાં પર્યાવરણ સંરક્ષણના મુદ્દાને ગંભીરતાપૂર્વક લઈને ૫ જૂન, ૧૯૭૨ ના રોજ સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓએ સ્ટોકહોમ ખાતે એક મંચ પર ભેગા થઈ મનોમંથન કર્યું અને પર્યાવરણની જાળવણીના ધ્યેયમંત્ર સાથે સંયુક્ત રાષ્ટ્ર સંઘે ૫ જુનને સત્તાવાર રીતે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.
વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો થકી પર્યાવરણના રક્ષણ માટે લોકજાગૃતિ સંદેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં વ્યારા વન વિભાગ હેઠળ સામાજિક વનીકરણ રેન્જની કામગીરી પણ નોંધનીય છે.
વ્યારા રેંજના સામાજિક વનીકરણ વિભાગ હેઠળ આવેલ પાનવાડી નર્સરીમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા લતાબેન ગામીત જણાવે છે કે, અહીં ઉગાડવામાં આવતા રોપાઓને સરકારી સંસ્થાઓ, શાળા-કોલેજોમાં નિઃશુલ્ક વિતરણ કરી પર્યાવરણના જતનની ઉમદા કામગીરી કરવામાં આવે છે. અર્ધ સરકારી સંસ્થાઓ માટે પણ સરકાર દ્વારા નજીવા દર નક્કી કરેલા છે. પર્યાવરણની જાળવણી માટે અમે પણ લોકોને વિવિધ છોડ-રોપાઓથી અવગત કરાવીએ છીએ. કિચન ગાર્ડન માટે પણ અમે લોકોને માર્ગદર્શન આપીએ છીએ.
તેઓ જણાવે છે કે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી મનરેગા યોજના અંતર્ગત વન મહોત્સવ નર્સરી હેઠળ ૬૦ હજાર રોપા, સરગવા નર્સરી હેઠળ ૧૦ હજાર રોપા અને એફએમ નર્સરી હેઠળ ૨૦ હજાર રોપા સહિત આ વર્ષે કુલ ૯૦ હજાર જેટલા વિવિધ વૃક્ષો ઉગાડવાનો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે.
વ્યારાની ચીખલદા ગામની રીપકાબેન ગામીત જણાવે છે કે, સામાજિક વનીકરણ વિભાગની નર્સરીમાં અમને રોજગારી સાથે પર્યાવરણના રક્ષણ માટે સહભાગી બન્યા તેનાથી અમે ખુશ છીએ. અહીં અમે બેડ બનાવવાનું, પોલોથીનની બેગ ભરવાનું, ખાડા ખોડવાનું કામ, ઇકોફ્રેન્ડલી પોલિથીનમાં રોપા રોપવાનું કામ, રોપાઓને પાણી આપવાનું વગેરે કામ કરીએ છીએ.
નર્સરીમાં રોજગાર પ્રાપ્ત થયાની સાથે ખ્યાલ આવ્યો કે આજે પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણનું કેટલું મહત્વ છે. અહીં અવાર નવાર શૈક્ષણિક, સ્વૈચ્છીક સંસ્થાઓ સહિત મોટા ભાગે લોકો રોપાઓ લઈ જાય છે. આ સંકેત છે કે તાપીના નાગરિકો જાગૃત છે.
પર્યાવરણના સંરક્ષણ હેતુ ભારત સરકાર દ્વારા પણ વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. સામાજિક વનીકરણ યોજના ૧૯૭૬ થી “પાંચમી પંચવર્ષીય યોજના”માં શરૂ કરવામાં આવી હતી. જેમાં વૃક્ષારોપણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
વનવૃદ્ધિ માટે સરકારના વન વિભાગ દ્વારા વિવિધ નર્સરીઓની સ્થાપના કરવામાં આવી છે. જેમાં વિવિધ જાતના વૃક્ષો, નાના મોટા છોડની જાતોને ઉગાડી તેનું જતન કરવામાં આવે છે. આ નર્સરીઓમાં ઉગાડવામાં આવતા વૃક્ષોને જંગલ વિસ્તારોમાં પડતર જમીનો, જાહેર રોડ રસ્તાઓ વગેરે જગ્યાઓ પર રોપવામાં આવે છે.
તાપી જિલ્લાને કુદરતે મન મુકીને પ્રાકૃતિક સૌંદર્ય વેર્યું છે. ઉપરાંત તાપી જિલ્લો પાણીદાર છે. ખેતી-સિંચાઈ માટેની સવલતો, સરકારશ્રીની યોજનાઓ, પીવાના પાણીની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં છે. તાપી જિલ્લાના નાગરિકોનું જીવન ખૂબ ખુશહાલ છે. પર્યાવરણના રક્ષણ માટે જિલ્લાના નાગરિકોને જાગૃત કરવા માટે પણ પ્રસાશન દ્વારા અવારનવાર કાર્યક્રમોનું આયોજન થાય છે.
ચાલો આજે ફરી એક વાર પ્રણ કરીએ, “પોતે વૃક્ષો વાવીશું-પર્યાવરણ બચાવીશું-ભાવિ પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપીશું”
*૦૦૦૦૦*