નિઝર તા.પં. પ્રમુખે નરેગા શાખાના ભ્રષ્ટ્રાચાર મુદ્દે ફેરવીને તોળ્યું !! : લેટર પેડ અને તેના ઉપર કરેલ સહિ મારી નથી – નિઝર તા.પં. પ્રમુખ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર): ગત દિવસોમાં તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન વસાવા દ્વારા નિઝર તાલુકા પંચાયતના નરેગા શાખાના એકાઉન્ટઆસિસ્ટન્ટ મયુરભાઈ એમ.પટેલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર ધવલ ચૌધરી તથા ટેકનિકલ આસિસ્ટન્ટ ચૌધરી નાણાકીય કામગીરીમાં ગેરરીતિ કરી રહ્યાના આક્ષેપો સાથે બદલીની માંગ કરતો એક પત્ર પોતાના લેટર પેડ ઉપર ડી.ડી.ઓ. તાપીને લખ્યો હતો, પરંતુ ટૂંકા સમયમાં તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન વસાવાએ અચાનક નિવેદન બદલતા નિઝર તાલુકાનું રાજકારણ ગરમાયું છે ?
નિઝર તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન વસાવા અને ઉપપ્રમુખ છોટુભાઈ નાઈ દ્વારા પોતાના લેટરપેડ પર જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરાઈ હતી, કે નરેગા શાખાના એકાઉન્ટ આસિસ્ટન્ટ મયુર પટેલ, આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર ચૌધરી તથા ટેકનિકલ આસિસ્ટન્ટ કલ્પેશ ચૌધરી નરેગા શાખામાં ફરજ બજાવે છે. પરંતુ આ ત્રણેય કર્મચારીઓ નરેગા યોજનામાં ખૂબ જ પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહયા હોય ત્રણેય અધિકારીઓની નિઝર/કુકરમુંડા તાલુકાથી દૂર બદલી કરવામાં આવે એવું જણાવવામાં આવેલ હતું. પરંતુ હવે તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન વસાવાએ નિવેદન આપતા જણાવ્યું છે કે આ લેટર પેડ મારુ નથી. તેમજ આ લેટર પર કરવામાં આવેલ હસ્તાક્ષર પણ મારા નથી. રાજકારણમાં બદનામ કરવા ના હેતુથી કોઈએ આ કારસ્તાન કરેલ છે.
લોક ચર્ચા ઉઠી રહી છે કે લેટર પેડ પ્રમુખ પાસે હોય છે તો આ લેટર પેડ આવ્યું ક્યાંથી ? આ લેટર પેડને લઈ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવશે ? કોના ઇશારાથી આ બધું થઈ રહ્યું છે તે ખબર પડશે ? એક દિવસમાં જ તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન વસાવાએ નિવેદન બદલ્યું અને હાલમાં દક્ષાબેન વસાવા પોતાના લેટરપેડ ને કેમ નકારી રહ્યા છે એ તપાસનો વિષય છે.
નરેગા શાખાના ત્રણેય અધિકારીઓ ભ્રષ્ટ્રાચારમાં લિપ્ત છે કે પછી તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન વસાવા ભ્રષ્ટ્રાચારમાં લિપ્ત છે ? એ તો ગાંધીનગરથી વિજલેન્સ ટીમ અથવા ACB ની ટીમ દ્રારા તપાસ કરવામાં આવે તો બહાર આવે એવી લોક માંગ ઉઠી રહી છે. આ પ્રકરણમા શું થાય છે એ આવનાર સમયમાં ખબર પડશે ?