સુરત શહેરની ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલનું ગૌરવ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા અંતર્ગત કબડ્ડી રમત માટે આણંદ મુકામે રાજ્યની અન્ડર 19 કબડ્ડી ટીમ માટેનો પસંદગી કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ પસંદગી કેમ્પમાં રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાંથી 60 ખેલાડીઓએ ભાગ લીધો હતો. સદર કેમ્પનાં અંતે રાજ્યકક્ષાની ટીમમાં 12 ખેલાડીઓ પસંદગી પામ્યા હતાં. જે પૈકી સુરત શહેરની ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતાં ચાર વિદ્યાર્થીઓ 1.અમિત સિંઘ, 2.રીતેશ ત્રિપાઠી, 3.મુકેશ યાદવ તથા 4.રાહુલ સિંઘે પોતાનાં કૌશલ્યને આધારે રાજ્યકક્ષાની ટીમમાં સ્થાન પામીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ ચારેય વિદ્યાર્થીઓને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને ટી. એન્ડ ટી.વી.શાળા પરિવારે ગૌરવસહ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.
શાળાનાં આ ચારેય રમતવીરો હવે નેશનલ ગેમ્સ (કબડ્ડી) માટે રાજ્યની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આગામી દિવસોમાં દિલ્હી ખાતે યોજાનાર નેશનલ ગેમ્સમાં શાળાનાં આ હોનહાર રમતવીરોનાં પ્રશંસનીય દેખાવ માટે શાળાનાં આચાર્ય સી.ડી.પટેલે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.