આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજનાના રૂપિયા 282 લાખના 72 કામોના વર્કઓર્ડર અપાયા

Contact News Publisher

સરપંચોને સીધે સીધા વિકાસલક્ષી ગ્રાંટ આપવાની પહેલનો શ્રેય દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને ફાળે જાય છે.- રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
………….
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.01- આદિજાતિ વિકાસ, ગ્રામ વિકાસ, અને રોજગાર વિભાગના રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને, તથા ધારાસભ્યશ્રી ડો.જયરામ ગામીતની ઉપસ્થિતીમાં પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજનાના કાંમોના વર્કઓર્ડર વિતરણ કર્યાનો એક કાર્યક્રમ સોનગઢ તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીની સુઝબુઝથી નવી યોજનાઓ વર્તમાન સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે. સીધા સરપંચોને ગ્રાંટ આપવાની પહેલ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને ફાળે જાય છે. દરેક પંચાયતને વસ્તીના આધારે ગ્રાંટ આપવામાં આવી છે. ત્યારે પારદર્શક અને તટસ્થતાથી વહીવટ કરવા અને ગામના વિકાસ માટે આ ગ્રાંટનો ઉપયોગ કરવા તેમણે આહવાન કર્યું હતું. તેમણે આ તમામ કામોની સમયાંતરે વિવિધ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે એમ પણ વધુમાં ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ તમામ સરપંચોને સાથે મળીને વિકાસના કામો કરવાના છે એમ પણ કહ્યું હતું.

કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ડો.જયરામ ગામીતે સૌને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના લાગુ કરવા માટે વર્તમન સરકારને ખરેખર અભિનંદન પાઠવવા જોઇએ. આ યોજના હેઠળ મળેલ ગ્રાંટનો યોગ્ય ઉપયોગ થાય તે જરૂરી છે. તેમણે આગામી દિવસોમાં સરકારની ગ્રાંટનો સારી રીતે વિકાસ કામોમાં ઉપયોગ થાય તેની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.

નોંધનિય છે કે, કાર્યક્રમમાં ખાસ કેન્દ્રીય સહાય ( SCA to TSP ) હેઠળ PMAAGY હેઠળ સોનગઢ તાલુકાના વર્ષ ૨૦૨૧-૨૨ હેઠળ મંજુર કુલ ૧૯૨૭ લાખના ૫૬૦ કામો જેવા કે, ડામર રસ્તા, નાળાનુ કામ, ગટર લાઇન,પેવર બ્લોક ,પ્રાથમિક શાળા અને આંગણવાડીઓમા પ્રાથમિક સુવિધા તથા સી.સી રોડ જેવા જુદા – જુદા વિકાસલક્ષી કામો મંજુર થયેલ હતા. ઉપરોક્ત કામો હેઠળ ગ્રામ્ય કક્ષાએ જુદા જુદા વિકાસના કામો થવાથી ગામોમાં પાયાની સુવિધા મળી રહે છે. મંજુર થયેલ આ કામો પૌકી આજ રોજ મંત્રીશ્રીના કુંવરજીભાઈ હળપતિના હસ્તે ૮૦૩.૨૯ લાખના ૨૪૦ કામો માંથી ૧૨૫.૦૦ લાખના ૩૧ કામો માટે વર્ક ઓર્ડર વિતરણ કરાયા હતા. આ ઉપરાંત ધારાસભ્યશ્રી ડૉ.જયરામ ગામીતના હસ્તે ૧૧૨૩.૩૬ લાખના ૩૨૦ કામોમાથી ૧૫૬.૫૦ લાખના ૪૧ કામોના વર્ક ઓર્ડર સોનગઢ તાલુકા પંચાયત અમલીકરણ હેઠળ સોનગઢ તાલુકાના સરપંચશ્રીઓને સહર્ષ વિતરણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ સરપંચશ્રીઓ સાથે ગ્રામ્યસ્તરે વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સોનગઢ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
00000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other