પ્રાકૃતિક ગામ ચુનાવાડી ખાતે ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું
પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરી કુદરતના અણમોલ વારસાને જાળવવા તથા સમાજના વિકાસ માટે ઉત્કૃષ્ઠ કામગીરી કરવા કોલેજના પ્રાધ્યાપકોએ વિચાર- વિમર્શ કરી સૌને સામાજીક ઉત્થાન માટે અનુરોધ કર્યો
(માહિતી બ્યુરો વ્યારા) તા.૨૬- તારીખ પ્રાકૃતિક સોંદર્ય અને પ્રકૃતિથી ભરપૂર એવા ચુનાવાડી ગામ માં 25 મે ૨૦૨૩ નાં રોજ ગુજરાત વિદ્યાપીઠ ,અમદાવાદ મિત્ર મંડળ દ્વારા સ્નેહ મિલન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના EC મેમ્બર અને વીરપુર કોલેજ ના પ્રિન્સીપાલ ડો.જયંત ચૌધરી અને નિવૃત્ત પ્રો.ડો. કિશોર ચૌધરી અને ગામના પ્રથમ નાગરિક સરપંચ અને ભૂતપૂર્વ સરપંચ કૌશિકભાઈના અધ્યક્ષતામાં સ્નેહ મિલન યોજાયું જેમાં ગુજરાતની જુદીજુદી કોલેજ ના અધ્યાપકો , શિક્ષકો,અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારી/ કર્મચારી મિત્રો તેમજ ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ચુનાવાડી ગામનાં સરપંચ તેમજ પદમડુંગરી ઈકો ટુરિઝમ ના પ્રમુખ સરલા બહેને પ્રકૃતિ ના જતન માટે આપણે શું કરી શકીએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતની વિવિધ કોલેજોમાં ફરજ બજાવતા પ્રાધ્યાપક મિત્રોએ ઉપસ્થિત સૌને કુદરતના સૌંદર્યને માણવા તેમજ કુદરતના આ અમૂલ્ય વારસાને ટકાવવા અનુરોધ કર્યો હતો. આ ગામ ની ખાસિયત છે કે આ વિસ્તારમાં ગ્રામજનોના સહકારથી ગામને સંપૂર્ણ પ્લાસ્ટિકથી મુક્ત કરવામાં આવ્યું છે. ગામ માં ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અને નોકરીની તૈયારી કરવા માટે સુવિધા મળી રહે તે માટે વાચંન માટે ઉત્તમ લાઈબ્રેરી ની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.આ સ્નેહ મિલન ની મંજુરી વનવિભાગ દ્વારા આપવામાં આવી હતી. સમાજ વિકાસ માટે ઉત્કૃષ્ટ કામગીરી કઈ રીતે કરી શકાય તે દિશામાં બધાં મિત્રોએ સાથે મળીને વિચાર વિમર્શ કર્યો. અંતે પ્રાકૃતિક આદિવાસી પારંપારિક ભોજન ઢેખળા, તુવેરની દાળ,નાગલી નાં રોટલા,અને કોળા ના ગુલાબ જાંબુ સરસ મજાનું પ્રિતી ભોજન નો લાભ લઇ સ્નેહ મિલન નું સમાપન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન પ્રસંગ સૌના માટે યાદગાર સંભારણું બની રહ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦