ગાંધીનગર ખાતે યોજાયેલ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં રાષ્ટ્રીય અધિવેશનમાં ઓલપાડ તાલુકાનાં શિક્ષકો જોડાયા
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં યજમાનપદે યોજવામાં આવેલ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં ૨૯ માં દ્વિવાર્ષિક શૈક્ષણિક અધિવેશનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાંથી બહોળી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો સહભાગી થયા હતાં. ‘શિક્ષણ પરિવર્તનનાં કેન્દ્રમાં શિક્ષકો’ વિષય પર યોજાયેલ આ રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનમાં ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષકોને માર્ગદર્શિત કર્યા હતાં.
સદર અધિવેશનમાં ઉપરોક્ત વિષય સહિત ‘સંગઠનની પ્રવૃત્તિઓ દ્વારા મહિલા શિક્ષકોનું સશક્તિકરણ’ નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે મહિલા શિક્ષકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેનાં પગલે સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાની શિક્ષિકા બહેનોએ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલની આગેવાની અને મહિલા ઉપપ્રમુખ શ્રીમતી જાગૃતિ પટેલનાં માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં આ અધિવેશનમાં સહર્ષ ભાગ લીધો હતો. તેમની સાથોસાથ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત સંઘનાં હોદ્દેદારો અને કારોબારી સભ્યો ઉપરાંત તાલુકાની વિવિધ શાળાઓનાં શિક્ષકો જોડાયા હતાં.
૪૩ ડિગ્રી તાપમાન વચ્ચે પણ શૈક્ષણિક તત્પરતા સાથેની શિક્ષિકા બહેનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ ઊડીને આંખે વળગે તેવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.