વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં દ્વિવાર્ષિક અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં
સુરત જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો અધિવેશનમાં સહભાગી થવા ઉત્સુક : કિરીટ પટેલ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : આગામી તા.12 મેનાં ગાંધીનગર ખાતે પ્રથમ વખત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં યજમાનપદે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું દ્વિવાર્ષિક શૈક્ષણિક અધિવેશન યોજવામાં આવી રહ્યું છે. જ્યારે બીજા દિવસથી પરમ પૂજ્ય સંત શ્રી મોરારીબાપુનાં મુખેથી પ્રવાહિત થનાર રામકથાનો આરંભ થતો હોય ગુજરાતનાં શૈક્ષણિક જગતમાં ઉત્સવ જેવો માહોલ દેખાઈ રહ્યો છે. ‘શિક્ષણ પરિવર્તનનાં કેન્દ્રમાં શિક્ષકો’ તેમજ ‘સંગઠનની પ્રવૃત્તિઓ દ્વારા મહિલા શિક્ષકોનું સશક્તિકરણ’ વિષય પર યોજાનાર આ 29 માં રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનનો પ્રારંભ ગુજરાતનાં પનોતા પુત્ર એવાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા થનાર છે. આ પ્રસંગે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત પુરુષોત્તમ રૂપાલા, ડો. મહેન્દ્ર મુંજપરા, સી. આર. પાટીલ, ઋષિકેશ પટેલ, ડો. કુબેર ડીંડોર, શ્રીમતી ભાનુબેન બાબરીયા, હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરિયા, જગદંબિકા પાલ, શ્રીમતી ભારતીબેન શિયાળ, શ્રીમતી પૂનમબેન માડમ સહિત અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ રામપાલ સિંઘ એજ્યુકેશન ઇન્ટરનેશનલ જનરલ સેક્રેટરી ડેવિડ એડવર્ડ તથા એજ્યુકેશન ઇન્ટરનેશનલ એશિયા પેસિફિક ચીફ કો-ઓર્ડિનેટર આનંદ સિંઘ ખાસ ઉપસ્થિત રહેશે. જ્યારે અધિવેશનનાં સમાપન કાર્યક્રમમાં પરમ પૂજ્ય સંત શ્રી મોરારીબાપુ, દેવુસિંહ ચૌહાણ, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી કમલાકાંત ત્રિપાઠી તથા સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી ગીતા પાંડે અને રામચંદ્ર ડબાસ ઉપસ્થિત રહેશે.
સદર અધિવેશન સંદર્ભે વધુ માહિતી આપતાં અધિવેશન આયોજન સમિતિનાં કાર્યદક્ષ સભ્ય એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ ની નેમ સાથે રાજ્યનાં આંગણે પ્રથમવાર યોજાઇ રહેલ આ રાષ્ટ્રીય અધિવેશનને ચાર ચાંદ લગાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી સતિષભાઈ પટેલ સહિત રાજ્ય સંઘનાં હોદ્દેદારો, વિવિધ જિલ્લા સંઘનાં પ્રમુખ મહામંત્રીઓ અધિવેશનની અપેક્ષિત સફળતા માટે રાત-દિવસ એક કરી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે અધિવેશનનાં મૂળભૂત હેતુની સાર્થકતા અમારી પ્રાથમિકતા છે પણ સાથે જ દેશભરમાંથી આવનાર સારસ્વતમિત્રો ગરવી ગુજરાતની મહેમાનગતિ સાક્ષાત નિહાળી રાજીપો મેળવે એ બાબતે પણ ખાસ ચોક્સાઈ રાખવા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.
ગિફ્ટ સિટી પાસે આવેલ વલાદ ગામની આશરે 20 થી 25 એકર જગ્યામાં સભાનો આકર્ષક સમિયાણો ઊભો કરવામાં આવી રહ્યો છે. જેનું ખુદ શિક્ષણમંત્રીએ પણ જાત નિરીક્ષણ કર્યું હતું. અહીં ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાંથી અંદાજે દોઢ લાખ પ્રાથમિક શિક્ષકો ઉપસ્થિત રહી અધિવેશનમાં સહભાગી થશે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.