ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે શિક્ષકોની ઇકો ક્લબ અને પ્રકૃતિ તાલીમ શિબિર યોજવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ તથા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર આયોજિત ઇકો ક્લબ અને પર્યાવરણીય પ્રકૃતિ શિક્ષણ અંતર્ગત એક તાલીમ શિબિર અત્રેનાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે યોજવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડનાં વ્યાખ્યાતા ડૉ. પંકજભાઈ દેસાઈનાં સંચાલન હેઠળ યોજાયેલ આ તાલીમ શિબિરમાં સમગ્ર જિલ્લાનાં ૪૬ શિક્ષકો સહભાગી થયા હતાં.
શિબિરનાં પ્રથમ દિવસે પ્રાસ્તાવિક ઉદબોધનમાં સૌને પર્યાવરણ પ્રયોગશાળા અને શાળા કક્ષાએ ઇકો ક્લબની પ્રવૃત્તિઓ સહિત સજીવ ખેતી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનાં એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશભાઈએ પ્રાકૃતિક ખેતી વિષયક સચોટ માહિતી આપી હતી. તેમનાં દ્વારા ઇનોવેશન લેબમાં મશરૂમ પ્લાન્ટ ઉછેર અને ખેતી વિશે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. શિબિરનાં દ્વિતીય ચરણમાં પારડી-વલસાડ બાગાયત વિભાગનાં વૈજ્ઞાનિક ડી.એન.પટેલે પ્રાકૃતિક ખેતી વિશે સૌને ગહનપૂર્વક માર્ગદર્શિત કર્યા હતાં.
શિબિરનાં બીજા દિવસે પ્રકૃતિ શિક્ષણ શિબિર માટે સૌ ઉત્તર વન વિભાગ ફોરેસ્ટ ઓફિસર શક્તિસિંહ તથા સ્નેક કેચર નીરજભાઈનાં માર્ગદર્શન હેઠળ 4.50 કિમીનું ટ્રેકિંગ કરી ઝરીયા ગામે પહોંચ્યા હતાં જ્યાં સૌ વન્ય જીવસૃષ્ટિ, સંરક્ષિત વૃક્ષો અને વિસ્તાર, સાપની પ્રજાતિઓ અને વિશેષતાઓ જેવી બાબતોથી માહિતગાર થયા હતાં. આ તકે સૌ સારસ્વતમિત્રોએ પરસ્પર ચર્ચા થકી વિવિધ જાણકારી મેળવી તેને પોતાનાં વર્ગખંડ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. અહીં સૌએ પ્રાકૃતિક સૌંદર્ય માણવા સાથે નાગલીની રોટલી અને સ્થાનિક શાકનાં પૌષ્ટિક ભોજનની મિજબાની માણી હતી.
શિબિરમાં જોડાયેલ દેગામ પ્રાથમિક શાળાનાં શિક્ષક અશ્વિન ટંડેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વન્ય જીવસૃષ્ટિ આપણાં જીવન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલ છે જેનું સંવર્ધન, જતન અને રક્ષણ કરવું આપણાં સૌની નૈતિક જવાબદારી અને ફરજ છે. અંતમાં સૌએ ભારતમાતાનાં જય ઘોષ સાથે એકબીજાથી વિદાય લીધી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other