ઓલપાડની વિહારા પ્રાથમિક શાળામાં સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની વિહારા પ્રાથમિક શાળામાં તેનાં ૧૫૦ માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામનાં સરપંચ શ્રીમતી જીગિશા પટેલ, સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતા, સીથાણ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં મુખ્યશિક્ષકો, એસ.એમ.સી. અધ્યક્ષ શ્રીમતી લક્ષ્મી રાઠોડ, ગામનાં આગેવાનો, મ.ભો.યો. સંચાલકો, આંગણવાડી વર્કરો, ગ્રામ પંચાયત તથા એસ.એમ.સી. સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં વાલીજનો ઉપસ્થિત રહ્યા હતાં.
પ્રારંભે શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કર્યા બાદ શાળાનાં આચાર્ય પ્રદિપસિંહ સોલંકીએ સૌનું શાબ્દિક સ્વાગત કરી શાળાનાં ઈતિહાસનું સવિસ્તર વર્ણન કર્યું હતું. આ સાથે તેમણે શાળાની પ્રગતિનો ચિતાર રજૂ કરી સહકર્મી શિક્ષકગણની કામગીરી તથા ગ્રામજનોનાં સહયોગને બિરદાવ્યો હતો. ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે દીપ પ્રજવલન થયાં બાદ ખૂબજ હર્ષોલ્લાસભર્યા માહોલમાં કેક કાપી શાળાનાં સ્થાપના દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પટાંગણમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં બાળકોએ નાટક, ફિલ્મીગીત, શૌર્યગીત, અભિનયગીત જેવી અવનવી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.
આજનાં આ શુભ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતાં ધોરણ-૮ નાં બાળકોને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે સન્માનિત કરી ભાવભીની વિદાય આપવામાં આવી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક શાળાનાં શિક્ષકો જનક ટેલર તથા સુરેશ દેશમુખે જહેમત ઉઠાવી હતી. અંતમાં આભારવિધિ શાળાનાં ઉપશિક્ષિકા રાગિણી રણાએ આટોપી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other