ઓલપાડ તાલુકાનાં કુવાદ ગામે નિર્માણ પામનાર પ્રાથમિક શાળાનાં ઓરડાઓનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કુવાદ ગામની પ્રાથમિક શાળામાં નિર્માણ પામનાર ચાર ઓરડાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભૂદેવની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી યોજાયેલ આ કાર્યક્રમમાં ગામનાં પ્રથમ નાગરિક તેજલબેન પટેલ, વિસ્તારનાં તાલુકા પંચાયત સદસ્ય સરલાબેન પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશકુમાર પટેલ, માજી તાલુકા પંચાયત સદસ્ય બળવંતભાઈ પટેલ ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
તાલુકામાં શૈક્ષણિક તથા ઈતર પ્રવૃત્તિઓમાં અગ્રેસર ગામની આ પ્રાથમિક શાળાનાં ચાર ઓરડાઓ ગ્રામજનોનાં અથાગ પ્રયત્નો થકી મંજૂર થતાં શિક્ષકો, બાળકો તથા વાલીજનોમાં આનંદની લહેર વ્યાપી ગઈ હતી. શાળાનાં આચાર્ય પ્રીતિબેન પટેલે નિર્માણાધિન ઓરડાઓનાં ખાતમુહૂર્ત પગલે ખુશી વ્યક્ત કરી ગ્રામજનો સહિત તાલુકા કક્ષાનાં અધિકારી પદાધિકારીઓનો આભાર માન્યો હતો. અંતમાં આ મંગલમય પ્રસંગે ઉપસ્થિત સૌનો શાળાનાં ઉપશિક્ષક મનોજભાઈ પટેલે જાહેર આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.