ડોલવણના ઢોડિયાવાડમાં ત્રિ દિવસીય સંગીતમય સત્સંગ સમારોહ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઢોડિયાવાડમાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે સમસ્ત ઢોડિયાવાડ પરિવાર દ્વારા ત્રિ દિવસીય સંગીતમય શ્રીમદ ભાગવત સત્સંગનું આયોજન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય કથાકાર પ.પૂ. અભયબાપુ (કતારગામ) ના મુખારવિંદે ભક્તોએ સત્સંગનું રસપાન કર્યું હતું. કથા પૂર્વે પરેશભાઈ પટેલના નિવાસસ્થાને થી તાત્કાલિક હનુમાન મંદિર થઇ કાર્યક્રમ સ્થાન સુધી પોથી યાત્રા યોજાઈ હતી. આ ત્રિ દિવસીય સત્સંગમાં કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધનપૂજા, કૃષ્ણ સુદામા મિલન, સહીત અનેકો પ્રંસગો ઉજવવામાં આવ્યા હતા. સત્સંગમાં સ્થાનિક ભાઈઓ બહેનો સહીત દૂર દૂરથી લોકો પધાર્યા હતા અને જ્ઞાન ગંગા સમ સંગીતમય સત્સંગ સરિતામાં ભક્તિની ડૂબકી લગાવી ભાવ વિભોર થયા હતા. ભાગવત સત્સંગ દરમિયાન ધોરણપારડીના અષ્ટાંગ યોગ સિધ્ધ યોગ ગુરુ પૂ. પ્રદીપજી ઉપરાંત સત્સંગના અંતિમ દિવસે નિવૃત આઇ પી એસ ડી.જી.વણજારા સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વ્યારાના રવિદાસ બાપુએ સત્સંગનો દોરીસંચાર સાંભળ્યો હતો. દાતાઓના સહયોગથી સ્ત્રોતાગણને સત્સંગનાં અંતે મહાપ્રસાદીનો પણ લાભ મળ્યો હતો. આ સંગીતમય સત્સંગનું આયોજન ઉમેદભાઈ સહીત સરપંચ ઉષાબેન, નરેદ્રભાઈ, હેમંતભાઈ, પરેશભાઈ સહીત ડોલવણ ધોડિયાવાડના પરિવારજનો તથા યુવાનોએ કર્યું હતું.