સોનગઢ ખાતે વન વિભાગ તાપી દ્વારા વન સેતુ કાર્યક્રમ યોજાયો
ગ્રામ સમુદાય,સ્વૈચ્છિક સંસ્થાઓ લોકભાગીદારીથી વન,પર્યાવરણનું જતન કરેઃ વન અને પર્યાવરણ વિભાગ કેબીનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા
…………….
કેબીનેટ મંત્રીશ્રી,પ્રભારી મંત્રીશ્રી અને રાજયકક્ષાના મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે ૨.૫ કરોડ ના ૧૧ કામોનું ઈ-લોકાર્પણ તેમજ ૩.૯ કરોડના ૩ કામોનું ઈ-ખાતમુહુર્ત કરાયું
………………
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૫ તાપી જિલ્લાના સોનગઢ (સરકારી વિજ્ઞાન કોલેજ ) ખાતે ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરા,વન અને પર્યાવરણ વિભાગ,ક્લાઈમેટ ચેન્જ,પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિ ના અધ્યક્ષ સ્થાને પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યકક્ષાના વન પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ તથા આદિજાતિ વિકાસ,ગ્રામ વિકાસ અને રોજગાર વિભાગના મંત્રીશ્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના મુખ્ય મહેમાન પદે ,અતિથિ વિશેષ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા, ધારાસભ્યશ્રીઓ ડો.જયરામભાઈ ગામીત,મોહનભાઈ કોંકણી અને મોહનભાઈ ઢોડિયા સહિત મહાનુભાવો ની ઉપસ્થિતિમાં તાપી વન વિભાગ દ્વારા વન સેતુનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
તાપી જિલ્લા વન વિભાગની કામગીરીને બિરદાવતા કેબીનેટ મ;ત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે લોકોની વૃક્ષ સાથેની લાગણીઓ, સંરક્ષણ માટેની જાગૃતિ અને વફાદારી આજે જનમેદનીની ઉપસ્થિતિમાં નિહાળી શકાય છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સમતોલ વિકાસ માટે દીર્ધ દ્રષ્ટિથી કામ કર્યું છે. આદિવાસીઓને પોતાના હકો મળે,જંગલ જમીનના માલિકીના હકો તેમજ આદિવાસીઓના કલ્યાણ માટે સતત ચિંતા કરી છે. ભૌગોલિક,સામાજીક અને વ્યવસાયિક લાભ છેવાડાના માનવીઓ સુધી પહોંચે તે માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પ્રયાસો હાથ ધર્યા છે. સમગ્ર રાજ્યમાં ૩૪૦૮ સહભાગી વન મંડળીઓ કાર્યરત છે. પાંખા થયેલા જંગલો ગ્રામ સમુદાય,સ્વૈચ્છિક સંસ્થાઓ લોકભાગીદારીથી વન,પર્યાવરણનું જતન કરે એ જરૂરી છે. જંગલોના જતનની સાથે બિયારણો એકત્રીકરણ,વાંસકામ બનાવટ,વર્મીકંપોસ્ટ,મશરૂમ ખેતી,મધ ઉછેર,નર્સરી ઉછેર જેવી પ્રવૃત્તિઓમાંથી ૨૦ ટકા આવક મળે તથા લોકોને રોજગારી મળે છે. સૌના સાથ અને સહકારથી વનનો વિકાસ થાય છે. ક્લાઈમેટ ચેન્જ વિષયે પણ સંશોધનો થઈ રહ્યા છે. ફક્ત કાયદાથી કામ ન થાય એક એક નાગરિકે જાગૃત બનવાનું છે.
રાજ્યકક્ષા વન પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કુલ ૧૯૩ વન સમિતિઓને ૪૨૨૭૧ હેકટર વિસ્તાર ફાળવવામાં આવ્યો છે. પહેલા વાંસને કાપવાની મંજૂરી મળતી ન હતી. જેને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઘાસની કેટેગરીમાં લઈ જઈ સરળતાથી મંજૂરી મળી રહે તેવો પ્રયાસ કર્યો, સહભાગી વન સમિતિઓ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. જેમાં અંબિકા વોટર, મધ ઉછેર કેન્દ્ર, આયુષ મેળાઓ, ઔષધિ ઉછેર તથા પારંપારિક ધાન્યો માટે મીલેટ વર્ષ ઉજવાઈ રહ્યું છે. જેને કારણે રોજગારી માટે બહાર જતા પરિવારોને ઘર આંગણે રોજીરોટી મળે તેવા પ્રયાસો હાથ ધરાયા છે.
રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે “નમોને પસંદ એ અમોને પસંદ” આદિવાસીઓના વિકાસની દિશામાં કામો થશે. આપણાં મુખ્યમંત્રી ઐતિહાસિક બજેટ લાવ્યા છે. ચાર હજાર જેટલા આવાસો આપવાના છે. લોકોને સનદ મળે એવુ કામ કરવાનું છે. જે માટે હું કટીબધ્ધતા વ્યક્ત કરૂં છું.
વન સેતુના આ કાર્યક્રમમાં વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ જૈવિક વિવિધતા બુકનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. તથા વન આપણું જીવન વન આપણું ભવિષ્ય છે તે વિષયે સમાજને જોડતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. કેબીનેટ મંત્રીશ્રી,પ્રભારી મંત્રીશ્રી અને રાજયકક્ષાના મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે ૨.૫ કરોડ ના ૧૧ કામોનું ઈ-લોકાર્પણ તેમજ ૩.૯ કરોડના ૩ કામોનું ઈ-ખાતમુહુર્ત કરાયું હતું. તથા જેએફએમસી મંડળીઓ,ગ્રામસભા અને સહભાગી મંડળીઓના લાભાર્થીઓને ચેક વિતરણ કરાયું હતું.કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી સામાજીક વનીકરણ વિભાગ સુરત દ્વારા હર ઘર કવચ વન-૫૦ રોપા વિતરણ માટેના રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સના અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ.કે.ચતુર્વેદીએ પ્રસંગોચિત કહ્યું હતું કે વન સેતુ એટલે વનવિભાગ,વન સમિતિઓ અને વનો વચ્ચે રચાતો એક સેતુ વન ને પ્રગાઢ કરે છે. વૃક્ષોથી આચ્છાદિત વન એટલે ખુલ્લી તિજોરી છે. વ્યક્તિગત હક્ક દાવાઓ કુલ ૧૧૯૪૭ નોંધાયેલા છે. જે પૈકી ૮૨૯૧ દાવાઓ જિલ્લાની સમિતિમાં મંજૂર થયા છે. ૮૭૮૮ હેકટર જમીન ફાળવવામાં આવી છે. શાળાઓ,દવાખાનું, વિદ્યુત,પીવાના પાણીની ટાંકી વિગેરે માળખાગત સુવિધાના ૧૪૦ જેટલા કામો ૬૦ હેકટરમાં કામો થવાના છે. વન વિભાગ અને લોકોએ એકબીજાના પૂરક બનીને સુરક્ષીત થવાનું છે.
વન સેતુના આ કાર્યક્રમમાં મોનીટરીંગ એન્ડ ઈવેલ્યુશન અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો.એપી.સિંહ,તાપી કલેકટર ડો.વિપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, પદ્મશ્રી રમીલાબહેન ગામીત, ડો.કે.શશીકુમાર, આનંદકુમાર,સુ.ડિ.કો.ઓ.બેન્ક ચેરમેન નરેશભાઈ પટેલ, સોનગઢ નગર પાલિકા પ્રમુખ ટપુભાઇ ભરવાડ, વિક્રમભાઇ તરસાડિયા,પંકજભાઇ ચૌધરી સહિત મોટી સંખ્યામાં સહભાગી વન મંડળીઓ, વન વિભાગના અધિકારીઓ, સ્ટાફગણ,પદાધિકારીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયરે સૌનું સ્વાગત કર્યું હતું. સામાજીક વનીકરણના સચીન ગુપ્તાએ આભાર દર્શન કર્યું હતું. સોનગઢ કોલેજની કન્યાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજુ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ગામીતે કર્યું હતું.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦