આદિજાતિ વિકાસ,ગ્રામ વિકાસ અને રોજગાર વિભાગના મંત્રીશ્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
આદિવાસી સમાજની સેવા કરવાનો લાહ્વો મળ્યો છે તે ખુબ જ મોટી બાબત છે.-મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૫- આદિજાતિ વિકાસ,ગ્રામ વિકાસ અને રોજગાર વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને તથા જિ.પં.પ્રમુખશ્રી સુરજ વસાવા, ધારાસભ્યશ્રી મોહન કોંકણી, તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં સંકલન સમિતીની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ પાણી સંબંધિત સમસ્યા અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, વિવિધ ગામોમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા ન થાય તે માટે તમામ ગામોમાં સર્વે કરાવી પાણીની સમસ્યા ઉભી ન થાય તેની તકેદારી રાખવી એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સૌ અધિકારીઓને આદિવાસી સમાજની સેવા કરવાનો લાહ્વો મળ્યો છે તે ખુબ જ મોટી બાબત છે એમ જણાવી સૌને સંવેદનશિલ બની કામગીરી પૂર્ણ કરવા સુચનો કર્યા હતા. આ સાથે ઉનાળા દરમિયાન ખેડૂતોને વિજપુરવઠો, ઘાટાથી કલમકુઇ સુધીના રસ્તા ઉપર બનાવલ બમ્પરોને ઢાળવાળા બનાવવા, તથા કમોસમી વરસાદમાં આંબાવાળી, ભિંડા સહિત અન્ય શાકભાજી અને બાગાયતી ખેતીમાં થયેલ નુકશાની અંગે સર્વે કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચનો કર્યા હતા.
જિલ્લા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગ દ્વારા બેઠકમાં મંત્રીશ્રીએ રજુ કરેલા સુચનોને ધ્યાન પુર્વક અને ચોક્કસાઇથી કામગીરીને સમયમર્યાદામાં પુર્ણ કરવા તમામ અમલિકરણ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહએ પાણીની સમસ્યા સબંધે ગામવાર વિગર રજુ કરવા સંબંધિત વિભાગને સુચના આપી હતી.
બેઠકમાં જિ.પં.પ્રમુખશ્રી સુરજ વસાવા તથા ધારાસભ્યશ્રી મોહન કોંકણી દ્વારા પ્રજા દ્વારા મળતા વિવિધ પ્રશ્નો અંગે જાણકારી આપી તેનો ઉકેલ અને નિકાલ આવે તે માટે રજુઆત કરી હતી.
અંતે મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” ની શરૂઆત તા.૨૪/૦૪/૨૦૦૩ થી થયેલ હતી. આ કાર્યક્રમને એપ્રિલ-૨૦૨૩ માં ૨૦ વર્ષ પૂર્ણ થતા એપ્રિલ માસના ચોથા સપ્તાહને “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે તે અંગે સૌને જાણકારી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં સંકલન સમિતીના વિવિધ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦