ઓલપાડની તેના પ્રાથમિક શાળામાં રમતોત્સવ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત તેના પ્રાથમિક શાળામાં બાળ રમતોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ ખૂબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પ્રારંભે શાળાનાં આચાર્ય જયેશ પટેલે સૌ રમતવીરોને સ્પર્ધાનાં નિયમોથી વાકેફ કરી જરૂરી માર્ગદર્શન સાથે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત પિંજરતનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર પરેશ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે રમતગમત એ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તે આપણા શારીરિક અને માનસિક વિકાસનો સ્ત્રોત છે.
સદર રમતોત્સવમાં ૧૦૦ મીટર દોડ, લીંબુ ચમચી, કોથળા કૂદ, કોથળા દોડ, મટકા ફોડ, સિક્કા શોધ, દોરડા કૂદ, લાંબી કૂદ, પૈસા શોધ, કેળા કૂદ, દેડકા કૂદ, સંગીત ખુરશી, નિશાન તાકવું, ગાળિયો પસાર, ખો-ખો તથા કબડ્ડી જેવી વિવિધ દેશી રમતો યોજવામાં આવી હતી. એક થી ત્રણ ક્રમે વિજેતા સ્પર્ધકોને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહક ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતાં. રમતોત્સવને સુપેરે પાર પાડવા શાળાનાં શિક્ષકો સહિત એસ.એમ.સી. સભ્યોએ જહેમત ઉઠાવી હતી. અંતમાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.