વર્લ્ડ બેન્ક ટીમ દિલ્હીએ તાપી જિલ્લાની ચીખલી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી

Contact News Publisher

વર્લ્ડ બેંક ટીમના સભ્યોએ શાળામાં ભૌતિક સુવિધાઓ નિહાળી સંતોષ વ્યક્ત કર્યો
…………….
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૦ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલી ગામે વર્લ્ડ બેન્ક ટીમ દિલ્હીએ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. વર્લ્ડ બેન્ક ટીમના સભ્યો સારાબેન,રેખાબેન,સિધ્ધાર્થભાઈ સાથે તાપી જિલ્લા શિક્ષણાધિકારી ધારાબેન પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ ચૌધરી સહિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય અને પ્રાધ્યાપકો આ મુલાકાત વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. સ્માર્ટ ક્લાસરૂમ,અદ્યતન લાયબ્રેરી,રંગઉપવન,કોમ્પ્યુટર રૂમ, કિચન ગાર્ડન,રમતનું મેદાન સહિત શાળાની ભૌતિક સુવિધાઓના માપદંડ ધરાવતી તાપી જિલ્લાની એકમાત્ર પ્રાથમિક શાળા ચિખલીની પસંદગી કરવામાં આવી હતી. જેની મુલાકાત લઈ વર્લ્ડ બેન્કની ટીમ અત્યંત પ્રભાવિત થઈ સંતોષ વ્યક્ત કર્યો હતો.
વિશ્વ બેંક દિલ્હીના સભ્ય સારાબેને એસ.એમ.સી.ના સભ્યો સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે વર્લ્ડ બેંક ઈચ્છે છે કે આપને શું મદદમાં જોઈએ છે. ગ્રામજનો, સભ્યો તેમજ શાળા પરિવારના સંયુક્ત સંકલન દ્વારા ટીમ બિલ્ડીંગ દ્વારા શાળાનો વિકાસ થઈ શકે છે. ખૂટતી સુવિધાઓ મેળવવા માટે હંમેશા જાગૃત બનવા તેમણે અનુરોધ કર્યો હતો.
ડાએટના પૂર્વ નિયામક ટી.એસ.જોષીએ સૌને સંબોધતા જણાવ્યું હતું કે મોટી માત્રામાં જુની શાળાઓને અદ્યતન બનાવી રૂપાંતર કરવાનું કામ સરકારે કર્યું છે. ૧૨૦ થી વધુ સંખ્યા ધરાવતી શાળાઓને આવરી લેવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે માત્ર શિક્ષકોથી જ શાળાનો વિકાસ થાય એવું નથી વાલીઓએ પણ સજાગ બનવાનું રહેશે. મહત્તમ શાળાઓ ગ્રીન ઝોનમાં આવે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
ચીખલી પ્રાથમિક શાળા વિશે અભિપ્રાય આપતા સરપંચ શ્રીમતિ સંગીતાબહેન ગામીતે જણાવ્યું હતું કે અમારી શાળામાં બધી સગવડો થઈ છે એનું કારણ છે અમો સતત મીટીંગો કરી શાળાના વિકાસનું આયોજન કરીએ છીએ. આસીસ્ટન્ટ ટીચરે વાર્તાલાપ કરતા જણાવ્યું હતું કે કુદરતના સાનિધ્યમાં રહીને બાળકો માટે અભ્યાસનું વાતાવરણ બન્યું છે. જ્યારે વિદ્યાર્થીની રિંકલે કહ્યું હતું કે અમને સ્માર્ટ ક્લાસ,કોમ્પ્યુટર રૂમ વિગેરે મળતા ભણવાની ખૂબ મજા આવે છે.
વર્લ્ડ બેન્કની ટીમે સમગ્ર શાળા સંકુલની મુલાકાત લીધી હતી. શાળામાં સ્વચ્છતા,કિચન ગાર્ડન,કિચન શેડ, ઔષધિવન જેવા અનેક આકર્ષક સ્થળો નિહાળી અત્યંત ખુશી વ્યક્ત કરી હતી. મુલાકાત વેળા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શૈલેષભાઈ પરમાર, SMC સભ્યો,શાળા પરિવાર શિક્ષકો સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ લેઝિમ નૃત્યથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને બાલિકાઓએ પ્રાર્થના,સ્વાગતગીત રજુ કર્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *