ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત ડભારી પ્રાથમિક શાળામાં ધોરણ-૮ નાં બાળકોનો વિદાય સમારંભ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની ડભારી પ્રાથમિક શાળામાં સામાજિક અગ્રણી હરિભાઈ રેવાભાઈ પટેલની અધ્યક્ષતામાં ધોરણ-૮ માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે એસ.એમ.સી.અધ્યક્ષ સહિત સભ્યગણ, ગામનાં આગેવાનો, ગ્રામ પંચાયત સભ્યો, તેમજ વાલીજનોએ ઉપસ્થિત રહ્યાં હતાં.
શાળાનાં આચાર્ય જગદીશ પટેલે ઉપસ્થિત સૌને શબ્દગુચ્છ દ્વારા આવકાર્યા હતાં. સમારંભનાં અધ્યક્ષ હરિભાઈ પટેલે પોતાનાં બાળપણનાં પ્રસંગો ટાંકીને તેમનાં ઉદબોધનમાં બાળકોને જણાવ્યું કે સંઘર્ષ સમયે પણ આપણે આપણો આત્મવિશ્વાસ અડીખમ રાખવો જોઈએ. આપણામાં રહેલી ક્ષમતા થકી આપણે ભવિષ્યનું આયોજન કરવાનું છે. આ સાથે શાળાનાં ઉપશિક્ષિક રાકેશ પટેલે બાળકો સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં.
આ પ્રસંગે વિદાય લેતાં બાળકોએ વારાફરતી પોતાનાં સ્વાનુભવો તથા સંસ્મરણો ભીની આંખે વાગોળ્યા હતાં. શાળાનાં આચાર્ય જગદીશ પટેલે વિદાય લેતાં બાળકોને સ્મૃતિ ભેટ આપી આશીર્વચનો પાઠવ્યા હતાં. પ્રિતિ ભોજનનાં અંતે શાળાનાં ઉપશિક્ષક નરેન્દ્ર પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.